શાસ્ત્રોક્ત સ્વરુપના શ્રાવક-શ્રાવિકાના જીવનની ખૂબ મહત્વની - છતાં માત્ર પાયાની-વાતોે જણાવીને વર્તમાનકાલીન ગૃહસ્થ ધર્મીઓને પોતાના જીવનમાં ધરમૂળથી કેટલાંક ફેરફારો કરવાની પ્રેરણા કરતું પૂજ્યશ્રીનું આ પુસ્તક શ્રાવકોને “ધર્મપ્રગતિ” કરવામાં ખૂબ સહાયક સાબિત થશે. જમાનાવાદના અતિ ઘોર મિથ્યાત્વને આજે જ ધરતીમાં દાટી દઇને મહામૂલા જિનધર્મની મંગલવંતી આરાધનાઓથી જો શ્રાવકો પોતાને તથા પોતાના ઘરને ભરી નહિ દે તો મુક્તિ અને સદ્ગતિ- પ્રાપ્તિની વાતો તો દૂર રહી પરંતુ તેઓના વર્તમાન જીવન શારીરિક રોગો, કૌટુંબિક કુસંપો, અપયશ, અશાંતિ અને અસદાચારોથી સળગી ઉઠીને રાખ બની જશે. કમસેકમ વર્તમાન જીવનની સુવ્યવસ્થા માટે પણ ગૃહસ્થોએ પોતાના ઘરમાં ધર્મના અનુષ્ઠાનો ફેલાવી દેવાની પૂજ્યશ્રીને ખૂબ જરૂર જણાય છે. પૂજ્યશ્રીએ પ્રથમ ખંડમાં જયજયવંતુ જિનશાસન, આજ્ઞા મારો પ્રાણ, મોક્ષલક્ષી - ધર્મપક્ષી શ્રાવક, પરલોક દ્રષ્ટા અને પાપભીરુ શ્રાવક, દેવ, ગુરુ અને સાધર્મિકનો ભક્ત શ્રાવક, પ્રાણી મિત્ર અને કલ્યાણમિત્ર શ્રાવક - આ વિષયો ઉપર અદ્ભુત ચિંતન રજૂ કર્યું છે. બીજા ખંડમાં મહાન શ્રાવક - શ્રાવિકાઓના અદ્ભુત જીવન- પ્રસંગો આલેખ્યા છે. ભાવશ્રાવકના લક્ષણો, ક્રિયાગત છ લક્ષણો, ભાવગત ૧૭ લક્ષણો , શ્રાવક અને મહાશ્રાવકનો ભેદ, શ્રાવકની દિનચર્યા, ધર્મસ્થાનોમાં ટ્રસ્ટી કોણ બની શકે ? વિગેરે વિષયો ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સરળ શૈલીમાં હૃદયસ્પર્શી વિવેચન કર્યું છે.