છ પ્રકારની પર હિંસા અને છ પ્રકારની સ્વ હિંસાઓ - ઉત્તરોત્તર વધુ ને વધુ કાતીલ બનતી જતી કુલ બાર હિંસાઓનું વર્ણન કરતું પૂજ્યશ્રીના આ પુસ્તકના વાંચન-મનનથી જીવહિંસાના ભયાનક પરિણામો અને જીવદયાની મહાનતા સુપેરે જાણવા મળશે. હિંસાનું તાંડવ સમગ્ર વિશ્વમાં ખેલાઇ રહ્યું છે. કેટલાક સજ્જનો બારમા નંબરની સૌથી મોટી ખતરનાક અને કાતીલ ભાવ હિંસામાં ઝડપાયા છે, એથી વિશ્વમાં ચાલતી હિંસાઓના નિવારણની વાત સ્વપ્નતુલ્ય બની ગઇ છે. જો તેઓ પોતાની ભાવિહંસાને ત્યાગી દે તો વિરાટ સ્તરે ચાલતી દ્રવ્યહિંસામાં સહજ રીતે ઓટ આવવા લાગી જાય. દેખીતી હિંસા કયારેક અનુબંધ (પરિણામ)માં અહિંસા બનતી હોય તો તેને હિંસા કહેવાતી નથી. (દા.ત. જિનપૂજા, સાધર્મિક જમણ, સાધુઓનું નદી-ઉત્તારણ વિગેરે) દેખીતી અહિંસા કયારેક અનુબંધમાં હિંસા બની જતી હોય છે. (દા.ત. શાંતિથી પંખીઓને જાળના ચણા ખાવા દેતા પારધિની અહિંસા વગેરે). અનુબંધ-અહિંસા દેવીની મૂર્તિની કલ્પના કરવી હોય તો તેના હાથમાં છરી આપવી. જગમાં વ્યાપેલી હિંસાને નાથવાનું કામ જૈનો સિવાય કોઇ કરી શકે તેમ નથી; આ વાત વિનોબાજીએ ‘જૈન ધર્મ મેરી દૃષ્ટિમેં’ નામના પોતાના પુસ્તકમાં કરી છે. છ પ્રકારની પરહિંસા (પ્રાણીહિંસા, સ્વજનહિંસા, માનવહિંસા, રાષ્ટ્રહિંસા, સંસ્કૃતિ હિંસા, વિચાર હિંસા) અને છ પ્રકારની સ્વહિંસા (સંસ્કાર હિંસા, સંપતિ હિંસા, સંઘ (સત્તા) હિંસા, શાસ્ત્ર-મતિ હિંસા, ધર્મ (ક્રિયાત્મક) હિંસા, શાસન (સ્વરૂપ) હિંસા ઉપર પૂજ્યશ્રીએ વિસ્તૃત, વિવેચન ખૂબ સરળ શૈલીમાં રજુ કર્યુ છે.