બાળ શૈલીમાં લખાયેલ સૂત્રોના અર્થનું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર ખૂબ સુંદર છે. ધર્મક્રિયા કરતી વખતે બોલાતા સૂત્રો વખતે જો અર્થોની વિચારણા અંદર ચાલતી હોય તો તે તે ક્રિયામાં ભાવવૃધ્ધિ અચૂક થાય. ભાવવૃધ્ધિ થવાથી પુષ્કળ પુણ્યાનુબંધી પુણ્ય અવશ્ય બંધાયા વિના ન રહે. પૂજ્યશ્રીએ છ આવશ્યકનો મહિમા ખૂબ સરસ સમજાવ્યો છે. પ્રતિક્રમણના એકાર્થિક આઠ નામોનું સુંદર વિવરણ કર્યુ છે. શ્રી નાણમ્મિ સૂત્રના અર્થો જાણવાથી જ્ઞાનાદિની અનેક પ્રકારે થતી આશાતનાઓ થતી અટકી જાય. સુગુર વંદન - સૂત્ર (વાંદણા સૂત્ર)માં ગુરુ પ્રત્યેનો વિશિષ્ટ વિનય શિષ્ય દાખવે છે. આ સૂત્ર દ્વારા મહાન સુગુરુની થયેલી અવિધિ, આશાતનાનું શિષ્ય ભાવપૂર્વક પ્રતિક્રમણ કરે છે. આ સૂત્રનો ભાવાર્થ પૂજ્યશ્રીએ સરસ આલેખ્યો છે. શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (વંદિતુ સૂત્ર) દ્વારા શ્રાવક - શ્રાવિકાઓ દિવસ કે રાત સંબંધમાં થયેલા દોષોની નિંદા અને ગર્હા કરે છે. આ સૂત્રના વિશેષાર્થ પૂજ્યશ્રીએ સરળ શૈલીમાં લખીને કમાલ કરી છે. ‘જે ખમાવે છે તે જ આરાધક છે’- આ ફલિતાર્થ ‘આયરિય ઉવજઝાએ સૂત્ર’માંથી નીકળે છે. આ સૂત્રનું સુંદર વિવરણ પૂજ્યશ્રીએ કર્યુ છે. ‘સકલ તીર્થ વંદુ કર જોડ સૂત્ર’નો અર્થ જાણવાથી ખબર પડે કે ‘આ સૂત્ર દ્વારા ત્રણેય લોકના સ્થાવર - જંગમ તીર્થને વંદના કરવાનો અનુપમ લાભ મળે છે.’