પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સુંદર કથાઓ સરળ શૈલીમાં રજૂ કરીને કમાલ કરી છે. કથા - માધ્યમે સુંદર બોધ - નવનીત પીરસ્યું છે. સંસ્કૃતિપ્રેમી કુમારિલ્લ ભટ્ટની કથા આજની ઉધ્ધત નવી પેઢીને કાનમાં ઘણું કહી જાય છે. યુધિષ્ઠિરની કરુણા વગેરે મહાનતાઓ પૂજ્યશ્રીએ સરસ રીતે રજૂ કરી છે. જિનશાસનમાં થયેલી ઉત્તમ શ્રાવિકાઓમાં જેનું સ્થાન રાખી શકાય તે નાગિલા શ્રાવિકાની કથા દ્વારા ઘણો બોધ પામી શકાય છે. રાજા કર્ણદેવ અને નમુંજલાની કથામાં આર્યદેશની નર્તકીઓ પણ કેવી સદાચારપ્રેમી હતી ! તે સુપેરે જાણવા મળે છે. ચુનીલાલ અને ભાઇચંદના સત્ય પ્રસંગમાં ઉગ્ર પાપની ભયંકરતા સચોટ શબ્દોમાં વર્ણવી છે. પ્રતિજ્ઞાપાલક રાવણની કથામાં ક્રોધનું ઉત્પત્તિસ્થાન બતાડીને પૂજ્યશ્રીએ કમાલ કરી છે. પુણ્ય પરવારે ત્યારે... શ્રીકૃષ્ણનું મૃત્યુ કેવી કરુણ હાલતમાં થયું તે જાણવાથી કાચા સૂતરના તાંતણા જેવા પુણ્યકર્મની અનિત્યતાનું ભાન થાય છે. મહામંત્રી કલ્પકની રાષ્ટ્રભક્તિ જાણ્યા બાદ..... મગધેશ્વર શ્રેણિકની કથામાં તેમનો ‘સંયમપ્રેમ’ જાણ્યા બાદ અહોભાવથી મસ્તક નમ્યા વિના ન રહે. મુનિ અષાઢાભૂતિની કથામાં કર્મોની સર્વોપરિતા સુપેરે જણાઇ આવે છે. મહાબ્રહ્મચારી બપ્પભટ્ટ સૂરિજીને કોટિ કોટિ વંદન કરવાનું મન થાય; તેવો અદ્ભૂત પ્રસંગ છે.