મગધના સમ્રાટ શ્રેણિક બિંબિસાર વનવિહાર માટે નીકળ્યા હતા. ત્યારે વૃક્ષની નીચે પદ્માસન લગાવીને બેઠેલા ધ્યાનસ્થ મુનિ પર એમની દૃષ્ટિ પડી. મુનિરાજની પ્રસન્ન મુખમુદ્રા, તેજસ્વી કપાળ અને રમણીય રૂપ જોઈને સમ્રાટ શ્રેણિક આýાર્યમાં પડયા. મનોમન વિચાર કરવા લાગ્યા કે સંસારજીવનનો એવો તે કયો હૃદયવિદારક અને આઘાતજનક અનુભવ થયો હશે કે જેથી એમણે સાધુતાનો ત્યાગપૂર્ણ માર્ગ ગ્રહણ કર્યો હશે ?
મગધનરેશે પ્રણામ કરીને મુનિરાજને પ્રણામ કર્યા, ``મુનિરાજ, યુવાનીની મહોરેલી વસંતમાં સંસારના સુખો છોડીને શા માટે તપ-ત્યાગથી ભરેલી દીક્ષા ગ્રહણ કરી ? આવી કંચનવર્ણી કાયા, તેજસ્વી તરુણ અવસ્થા અને નેત્રદીપક ચહેરો જોઈને મને સવાલ જાગ્યો છે કે આપે છલકાતી યુવાનીમાં સંસાર, સંપત્તિ અને પ્રિયજનોનો પરિત્યાગ કેમ કર્યો ?''
મુનિરાજે હેતભર્યા સ્વરે કહ્યું, ``હે રાજન્, હા સંસારમાં હું સાવ અનાથ હતો. મને બચાવનારો રક્ષક કે ગાઢ મિત્ર નહોતો. આવી અનાથ સ્થિતિને કારણે જ મેં સંસારનો ત્યાગ કર્યો.''
સમ્રાટ શ્રેણિકે ખડખડાટ હસતાં કહ્યું, ``અરે મુનિવર, જો આપ આવી અનાથ સ્થિતિનો અનુભવ કરો છો તો હું તમારો નાથ બનીશ. વળી મારા જેવો સમ્રાટ તમારો નાથ બનશે એટલે તમને ગાઢ મિત્રો, પરમ સ્નેહીઓ, નિકટના સંબંધીઓ અને ખડે પગે રહેનારા સામે ચાલીને મળી આવશે. એમના સહવાસમાં રહીને તમે સુખપૂર્વક સત્તા, સંપત્તિ, સામર્થ્ય અને સૌંદર્ય સઘળું ભોગવી શકશો. સંસારનું કોઈ સુખ તમને અપ્રાપ્ય નહી હોય. મુનિ ! ચાલો, હવે હું તમારો નાથ છું આવી ભરયુવાનીમાં લીધેલી સાધુતા છોડીને મારી સાથે મારા વિશાળ રાજમાં પધારો.''
સમ્રાટની આ વાતના પ્રત્યુત્તરમાં મુનિરાજે કહ્યું, હે મગધરાજ, જ્યારે તમે ખુદ અનાથ છો પછી મારા નાથ કઈ રીતે બની શકશો ? તમારી જેમ જ અપાર સંપત્તિ અને સમૃદ્ધિ મારી પાસે હતી, પરંતુ એક વાર મારી આંખમાં પીડા ઉત્પન્ન થઈ અને શરીરના પ્રત્યેક અંગમાં દાહ જાગ્યો ત્યારે અનેક નિપુણ વૈદ્યાચાર્યો, પિતાની સઘળી સંપત્તિ કે મોતાનું મધુંરુ વાત્સલ્ય મારી પીડા ઓછી કરી શક્યાં નહી. સર્વ શૃંગારનો ત્યાગ કરનાર પતિપરાયણ મારી પત્ની કે મારાં ભાઈ-બહેન પણ સાંત્વન અને રુદન સિવાય કશું કરી શક્યાં નહી, આવી હતી મારી અનાથતા !
``આ અનાથતાને દૂર કરવા માટે અને એ વેદનાથી મુક્ત બનવા માટે મેં સર્વ વેદનાનાશક એવી દીક્ષા લેવાનો વિચાર કર્યો. જે રાત્રે એવો સંકલ્પ કર્યો કે હું સાજો થઈશ તો આ સંસાર છોડી દઈશ તે રાત્રિ પસાર થવાની સાથોસાથ મારી વેદના ઓછી થવા લાગી. પ્રાતઃકાળે તો સાવ નિરોગી બની ગયો. દીક્ષા અંગીકાર કરીને નીકળેલા મારા જેવા અનાથને ભગવાન મહાવીર જેવા સાચા નાથ મળ્યા !'' શાસ્ત્રાે કહે છે કે આત્મસંધાનની અંતિમ સીમાએ પહોંચી અનાથી મુનિ સદાય સનાથ દશારૂપ સિદ્ધિપદને વર્યા.
Language title : શ્રમણ ભગવંતોની વાતો : શ્રેષ્ઠ શ્રમણ