પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સહુ પ્રથમ છ પ્રકારના જીવોની વિસ્તૃત જાણકારી આપી છે. (૧) તીર્થંકર પરમાત્મા (ઉત્તમોત્તમ આત્મા) (૨) મોક્ષલક્ષી જીવને ઉત્તમ કહી શકાય (૩) આલોકના સુખ ત્યાગીને (સંસારત્યાગીને) પરલોકનું સુખ નિશ્ચિત કરી લે તે મધ્યમ. (૪) આલોકનું સુખ તે રીતે ભોગવે જેથી પરલોક બગડી ન જાય તો વિમધ્યમ (૫) આ ભવના સુખોને ભોગવવા સાથે પરલોકને ભયાનક બનાવી દે તો તે અધમ (૬) આ ભવ અને આગામી ભવોમાં પણ સ્વનું સજ્જડ અહિત થાય તેવો કર્મબંધ કરનારો અધમાઅધમ. પૂજ્યશ્રીએ આબરુ, આરોગ્ય અને સંતાનો ન બગડી જાય તે રીતે જીવન જીવવાની પ્રેરણા કરી છે. જિનશાસનના સાત ક્ષેત્રોમાં છેલ્લું ક્ષેત્ર- શ્રાવિકાને જિનશાસનનો આધાર કહીને તેના માથે ઘણી જવાબદારીઓ વર્ણવી છે. પૂજ્યશ્રીએ ઉત્તમ શ્રાવિકાઓના ટૂંકા દૃષ્ટાંતો સુંદર શૈલીમાં હૃદયસ્પર્શી રીતે આલેખ્યા છે. ચાર પ્રકારના સામાયિકની - શ્રુત સામાયિક, સમ્યક્ત્વ સામાયિક, દેશ વિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક - સુંદર સમજણ આપી છે. જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ- મધુર પરિણામ તે જ સામાયિક છે. પુણ્ય-પુષ્ટિ અને પાપ - શુદ્ધિ ઉપર કમાલ વિવેચન કર્યું છે. ઓબ્જેક્ટીવ રીયાલીટી અને આઇડીયલ રીયાલીટીની સરળ શૈલીમાં સમજણ આપી છે. આરાધનાથી દુઃખ મુક્તિ : આરાધકભાવથી દોષમુક્તિ ઉપર પૂજ્યશ્રીએ ટૂંકા દૃષ્ટાંતો સહિત ખૂબ સુંદર વિવરણ સરળ ભાષામાં કર્યું છે.