પૂજ્યશ્રીએ સહુ પ્રથમ તારક અરિહંતદેવની કરૂણા ઉપર સુંદર વિસ્તાર કર્યો છે. છેલ્લેથી ત્રીજા ભવમાં ચાર ગતિના જગતના જીવોના વિવિધ દુઃખો જોઇને ‘અરિહંત’નો આત્મા કમકમી જાય છે. એ વખતે તેઓ મનમાં તીવ્રતાથી ભાવના ભાવે છે કે, ‘જો મારૂં ચાલે તો હું સર્વજીવોને સર્વપ્રકારના દુઃખો અને દોષોમાંથી હંમેશ માટે સંપૂર્ણપણે છોડાવીને મોક્ષમાં પહોંચાડી દઉં.’ આ કરૂણાભાવના તેમને છેલ્લા ભવમાં તીર્થંકરદેવ બનાવે છે. પ્રાણીમાત્રની-જીવમાત્રની રક્ષા કરવી જોઇએ; અને તેની રક્ષા થવી જ જોઇએ. જો સરકાર એમ કહે કે, ‘અમે માત્ર ગોવંશરક્ષા આપીશું’ તો આપણે દુઃખિત હૃદયે તેટલું પણ સ્વીકારી લેવું. સરકાર જેટલી રક્ષા આપે તેટલી લઇ લેવી અને બાકીના જીવોની રક્ષાની માંગણી કે આંદોલન ઉભું રાખવું. જો આમ ન કરીએ તો ઘેંટા-બકરાં વગેરે જીવોની હિંસામાં આપણી સંમિત થઇ જવાનું ઘોર પાપ લલાટે લખાઇ જાય. કરૂણાર્દ્ર પૂજ્યશ્રીએ જીવમાત્રની રક્ષાની અનેક વાતો આ પુસ્તકરત્નમાં આલેખી છે. કાળા ગોરાઓ જાણતા હતાં કે ભારતીય ભૌતિક સમૃદ્ધિનું મૂળ મુખ્યત્વે ગોવંશ છે એટલે તેઓએ ઇ.સ.૧૮૫૭ થી ઇ.સ. ૧૯૦૩ની સાલ સુધીમાં ત્રણ અબજ ગાયોને કાપી નાંખી. પશુરક્ષા કરવાથી પશુઓની દુવા મળે છે. તેઓ પુષ્કળ પુણ્યબંધ કરીને ઘણું ભૌતિક સુખ અને આત્મશાન્તિ પામે છે. જૈનો ખૂબ સુખી છે; તેનું કારણ પૂજ્યશ્રીએ ‘જીવદયા’ + ‘પરમાત્મભક્તિ’ જણાવ્યું છે. જીવદયા એ જૈનધર્મની કુળદેવી છે. જૈનધર્મના ધાર્મિક કે સાંસારિક કાર્યોમાં જીવદયા તો થાય જ.