પૂજ્યશ્રીએ કથા - માધ્યમે આ પુસ્તકમાં સુંદર બોધપાઠ આપ્યો છે. ટૂંકા પ્રસંગોની સરળ શૈલીમાં સારગ્રાહી રીતે રજૂઆત થઇ છે. પુસ્તકના પ્રથમ પ્રસંગમાં ક્રોધના ભયંકર વિપાકનું વર્ણન સત્ય પ્રસંગ દ્વારા કરીને ક્રોધ ચંડાલથી દૂર રહેવાની ખાસ પ્રેરણા કરી છે. હાડી રાણીની શીલખુમારી જાણ્યા બાદ આજની નિર્લજ્જ કન્યાઓને શરમ આવવી જોઇએ. ‘સંસારી જીવો સ્વાર્થપૂર્ણ હોય છે’ આ સત્યને ચંપકલતાના પ્રસંગ દ્વારા જીવંત સ્વરુપ અપાયું છે. ગુર્જરેશ્વર કુમારપાળની ‘ગુરુભક્તિ’નો પ્રસંગ વાંચતા આંખો આંસુપૂર્ણ થયા વિના ન રહે. જગતનું મોટામાં મોટું પાપ ‘ધનસંગ્રહ’ મારી પ્રજામાં ન ફેલાય તે માટે સ્પાર્ટાના રાજવી લાયકરગઝે જે ઉપાય અજમાવ્યો તે જાણીને ‘ધનલંપટતા’ ઓછી કરવા જેવી છે. દાન માત્ર અમીરો જ કરી શકે, તેવું નથી. દિલની અમીરી જણાવતો મા-દીકરીનો પ્રસંગ ખરેખર માણવા જેવો છે. છતી શક્તિએ પણ ‘દાનધર્મ’થી વંચિત રહેનારા આ પ્રેરક પ્રસંગમાંથી સુંદર પ્રેરણા લેશે તો.... જગદીશચંદ્ર બોઝનો દૃઢ આત્મવિશ્વાસ જાણવા જેવો છે. ઉદેપુર નરેશને સ્પષ્ટ ભાષામાં પ્રત્યુત્તર આપતાં મહાજનની ખુમારી ખરેખર પ્રશંસનીય છે. રાવણે મરતાં મરતાં ય જગતને જે બે અમૂલ્ય શીખ આપી છે, તે જાણ્યા બાદ રાવણમાં કદી ‘અધમ’ના દર્શન નહિ થાય.