તત્વાર્થસૂત્રની કારિકા (૩૧ શ્લોક)ઉપર પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં લખાણ બે ભાગોમાં કર્યું છે. આ લેખનમાં છ પ્રકારના જીવો (ઉત્તમોત્તમ વગેરે), માનવજીવનની સાર્થકતા પામવા માટેના બે મુખ્ય સાધનો (રત્નત્રયીની મોક્ષપ્રાપક સાધના અને અશુભાનુબંધોનો ઉચ્છેદ), દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરદેવનું જીવનકવન, યોગ્ય ઉપદેશકોએ ઉપદેશદાનમાં દેહની પરવા કર્યા વિના સતત મંડ્યા રહેવાની વાત - વગેરે વાતો પૂજ્યશ્રીએ ખૂબ સરળ શૈલીમાં સમજાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આત્મા છે, આત્મા નિત્ય છે, તે કર્મોનો કર્તા છે, તે કર્મોનો ભોક્તા છે, મોક્ષ છે, તેના ઉપાયો છે - આ ષટ્સ્થાનોની સુંદર સમજણ આપી છે. સંસારી સુખના ત્રણ કલંકો દેખાડ્યા છે. સમ્યગ્દર્શનની મહાનતા વર્ણવી છે. પુણ્યબંધના નવ કારણો જણાવ્યા છે. દુવા : કૃપા અને અનુગ્રહનો પદાર્થ સમજાવ્યો છે. અનુબંધ શું વસ્તુ છે ?, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુંબંધના ચાર કારણો, પાપાનુબંધીના ચાર કારણો, અનુબંધ તોડ : જોડના ત્રણ ઉપાયો - આ બધી વાતો ટૂંકા દૃષ્ટાંતો દ્વારા સરળતાથી સમજાય તેવું સુંદર આલેખન પૂજ્યશ્રીએ કમાલ શૈલીમાં કર્યું છે. જિનશાસનના અનેક પદાર્થો પૂજ્યશ્રીએ આ ગ્રન્થપુષ્પમાં આલેખ્યા છે. આ પુસ્તકના મનનથી સુંદર બોધ પ્રાપ્ત થવાથી “ધર્મપ્રગતિ” થશે.