પૂજ્યશ્રીએ આ કાળના જીવો ઉપર ત્રાટકેલા ત્રણ વાવાઝોડાંનો હૂબહૂ ચિતાર આ પુસ્તકમાં સૌ પ્રથમ આપ્યા બાદ બધા રોગોની એક અમોઘ ઔષધિરૂપ ‘ધર્મ’ની ખૂબ અનિવાર્યતા દર્શાવી છે. માર્ગાનુસારી ધર્મ, સમ્યગ્દર્શન ધર્મ, દેશવિરતિ ધર્મ, સર્વવિરતિ ધર્મ - આ ધર્મોનું સુંદર સ્વરૂપ સમજાવ્યા બાદ પૂજ્યશ્રીએ સર્વવિરતિ ધર્મની મૂંઠીઉંચેરી તાકાત વર્ણવી છે. ધર્મની સુંદર સમજણ આપ્યા બાદ આ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ ધનની ભયંકરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે. અનાદિકાલીન કુસંસ્કારોની તીવ્ર ઉત્તેજનાએ આજના માનવીને ભોગપ્રિય બનાવ્યો છે. આ ભોગો ધન પામ્યા વિના મળી શકે તેમ નથી એટલે ભોગભૂખ્યો માણસ ધનભૂખ્યો બને છે. કામલંપટ માણસોએ ‘નારી’તત્ત્વની કરેલી દુર્દશાને સંસ્કૃતિપ્રેમી પૂજ્યશ્રીએ આકરા શબ્દો શબ્દોમાં વખોડી કાઢી છે. બુદ્ધિજીવી લોકોએ નારીની પ્રગતિ (?) ના નામે ઘરમાંથી બહાર કાઢીને તેની અધોગતિ થવા દઇને ભારે નુકશાનોનું સર્જન કર્યું છે. પૂજ્યશ્રી લખે છે કે ‘ધનવૃદ્ધિમાં સુખ છે.’ - આ નકરો ભ્રમ છે. ધન વધતાંની સાથે શાન્તિ, પ્રસન્નતા વગેરે દૂર થતાં જાય છે. સાચા સુખી બનવા માટે પૂજ્યશ્રીએ ખૂબ મહત્વના ચાર ગુણો - સંતોષ, સાદગી, કરકસર અને દેખાદેખીનો અભાવ - અંગે ટૂંકાણમાં સરસ સમજણ આપી છે. નેત્રદીપક આ ચાર ગુણોને આચારમાં ઉતારવાની ખાસ ભલામણ પૂજ્યશ્રીએ કરી છે.