કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરિજી મહારાજા વિરચિત ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રના દસમા પર્વનો આધાર લઇને પૂજ્યશ્રીએ આ સુંદર પુસ્તક તૈયાર કર્યું છે. પૂજ્યશ્રીએ સૌૈપ્રથમ પરમાત્માના પાંચ કલ્યાણકો ઉપર સુંદર ઉત્પ્રેક્ષા કરી છે. પરમાત્મા મહાવીરદેવની છેલ્લી સોળ પ્રહરની દેશના, હસ્તિપાલ રાજાનાં આઠ સ્વપ્નો, ગૌતમસ્વામીની ભાવિ-જિજ્ઞાસા, પ્રભુનું હસ્તિપાલ રાજાની દાણશાળામાં ગમન, ગૌતમસ્વામિજીને દેવશર્મા-પ્રતિબોધાર્થ રવાના કર્યા, ૫૫,૫૫ અને ૩૬ અધ્યયનોનું કથન, ભસ્મગ્રહ અંગે વિનંતિ, યોગનિરોધની ક્રિયા : મોક્ષ, કુંથુઉત્પત્તિઃ અનેકોનું અનશન - આ દસ ઘટનાઓને પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં આલેખી છે. હસ્તિપાલ રાજાને આવેલા બેઘાઘંટુ આઠ સ્વપ્નોનું વર્ણન પૂજ્યશ્રીએ વિસ્તારથી કર્યું છે. આ આઠ સ્વપ્નોના સારરૂપે પ્રભુ કહે છે કે “મારા સ્થાપેલા જૈન ધર્મના ૨૧,૦૦૦ વર્ષનું ભાવી ઘણું બધું ખરાબ છે. ઘણા શ્રમણ, શ્રમણીઓ અને શ્રાવક શ્રાવિકાઓ વગેરે મોક્ષ માર્ગથી ખસી જશે. ઘણા બધા લોકો ધર્મહીન જીવન જીવશે. ઘણી બધી અંધાધૂંધી ફેલાશે. પરંતુ આ બધું છતાં કેટલાક (થોડાક) શ્રમણ, શ્રમણીઓ અને શ્રાવક, શ્રાવિકાઓ એકદમ ઉત્તમ કોટિની મોક્ષમાર્ગની આરાધના કરશે.ભયાનક પરિસ્થિતિની વચમાં રહીને પણ તેઓ સ્વસ્થ રહેશે. સ્વાત્માનું કલ્યાણ કરીને જ રહેશે.” “બધા નહિ પણ ઘણા બધા” આ વિધાન આપણને નિરાશ કરવાને બદલે એવો આશાવાદ આપણામાં પૂરે છે કે, “હું એ થોડાક સારામાં જ મારો નંબર લગાડીને મારો આ માનવનો ફેરો અવશ્ય સફળ કરીશ.”