વિ.સં. ૨૦૫૪માં તપોવન (સાબરમતી પાસે)માં યોજાયેલા યુવામિલનમાં આપેલા પ્રવચનોના વિસ્તારરૂપે પૂજ્યશ્રીએ સુંદર પુસ્તક આલેખ્યું છે. ધર્મ અને અધર્મ, પુણ્ય અને પાપની વાતો કરતાં પૂર્વે જે ભૂમિકારૂપ જીવનની જરૂર છે તે સુખ, દુઃખને કેવી રીતે જીવવાથી માનવભવ બદબાદ થતો અટકે ? તેની વાતો પૂજ્યશ્રીએ ખૂબ કમાલ શૈલીમાં વર્ણવી છે. ખૂબ મનનપૂર્વક આ પુસ્તક વંચાશે તો પુષ્કળ “જ્ઞાનપ્રકાશ” પ્રાપ્ત થશે એવી પૂજ્યશ્રીને ખાત્રી છે. પૂજ્યશ્રીએ હુંડા અવસર્પિણીના આ કાળની ભયંકરતા જણાવી છે. પૂજ્યશ્રીએ બે અત્યંત કડવા સત્યો રજૂ કર્યા છે; (૧) પ્રજાનું સત્વ હણાઇ ગયું છે (૨) પ્રજાનું પુણ્ય પરવારી ગયું છે. આરોગ્ય સારૂં હોય તો “ધર્મ” ખૂબ જોરમાં આરાધી શકાય. પરાર્થ અવિરતપણે કરી શકાય માટે પૂજ્યશ્રીએ આરોગ્ય સારૂં રાખવાની ખાસ સલાહ આપી છે. આ માટે વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન અને નિત્ય એક કલાકના યોગાસનો દ્વારા સફળતા પામવામાં જરાક પણ મુશ્કેલી નહિ પડે. નીતિ-શ્લોકમાં જણાવ્યું છે કે ભારત દેશના અધમ કક્ષાના જીવો પણ બેઆબરૂ થવાની બીકથી પાપ કરતા નથી. આબરુની કિંમત કરોડો કે અબજો રૂપિયાથી પણ અધિક છે. પૂજ્યશ્રીએ આબરૂ સારી રાખવાની ખાસ પ્રેરણા કરી છે. પરમપદનું લક્ષ નહિ ધરાવતાં થોડી નીચી કક્ષાના જીવોને પૂજ્યશ્રી પરલોકનું લક્ષ રાખવાનું ખૂબ ભારપૂર્વક કહે છે. મૃત્યુ પછીનો જન્મ દુર્ગતિમાં ન જ થાય તેની ખૂબ કાળજી રાખવાનું જણાવે છે. આ પુસ્તકના અદ્ભૂત પદાર્થો જીવન જીવવાની કલા જણાવશે.