ધર્મશાસ્ત્રના સિધ્ધાંતો દૃષ્ટાંત સ્વરૂપે વણાઇ જતા હોય તેવો રામાયણ ગ્રન્થ એ ‘આર્ય’ના જીવનનું કાવ્ય છે. એ નાગરિક શાસ્ત્ર છે ! જીવન જીવવાની જડીબુટ્ટી છે. જીવનની અંધિયારી ઓરડીઓનાં તાળાં ખોલતી ચાવીઓનો એ ઝૂમખો નથી; એ તો માત્ર ચાવી-માસ્ટર કી છે; જે બધાં તાળાંઓને ખોલી નાંખવાનું અપ્રતિહત સામર્થ્ય ધરાવે છે. આ રામાયણ “ઇન્ટર નેશનલ” ગ્રન્થ છે. એ છઙ્મઙ્મ ઝ્રઙ્મટ્ઠજજનો ગ્રન્થ છે. જૈન-અજૈન સર્વને આદરણીય ગ્રન્થરત્ન છે. રામાયણના સાત પાત્રો - રાવણ, અંજનાસુંદરી, હનુમાન, દશરથ, રામ, સીતા, ભરત - ઉપર પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં રસપૂર્ણ આલેખન કર્યું છે. રાવણ અતિ શૂરવીર હતો, પ્રભુનો પરમ ભક્ત હતો, શીલનો અત્યન્ત પ્રેમી હતો - આવા રાવણને અધમ શી રીતે કહેવાય ? પૂજ્યશ્રીએ દશરથના પાત્રલેખનમાં માનવે જીવનમાં સુખી થવા માટે ત્રણ દુર્ગુણોનો હંમેશ માટે ત્યાગ કરવાનું જણાવ્યું છે : (૧) અપેક્ષા (૨) આવેશ અને (૩) અધીરાઇ. રામે દીક્ષા લીધી ત્યારે શત્રુઘ્ન સહિત સોળ હજાર રાજાઓ અને સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ દીક્ષા લઇને આત્મકલ્યાણ કર્યું હતું. રામાયણમાંની સૌથી વધુ દુઃખિયારી સ્ત્રીઓ તે અંજનાસુંદરી અને સીતાદેવી. બે ય ઉપર દુઃખ આપનારા કાતિલ કર્મોનો હુમલો થયો હતો. બન્ને આ જનમમાં નિષ્પાપ હોવા છતાં અત્યન્ત દુઃખમય સ્થિતિમાં મુકાયા હતા. સીતાનો ઉંચો શીલપ્રેમ પૂજ્યશ્રીએ વર્ણવ્યો છે.