જૈન મહાભારતની મોંઘી અને માનનીય મહાકથા પૂજ્યશ્રીએ આગવી, રોચક શૈલીમાં વર્ણવી છે. આ ગ્રંથના વાંચન અને મનનથી એક અનોખી સમજણ પ્રાપ્ત થાય છે. સજ્જનોની સજ્જનતા અને દુર્જનોની દુર્જનતાની પરાકાષ્ઠા જોઇને તેવા સજ્જન બનવાના અને દુર્જન નહીં બનવાના દૃઢ સંકલ્પ કરવાનું મન થશે. જીવનને જીવવાનો નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે. સદ્વિચાર, સદુચ્ચાર અને સદાચારના સન્માર્ગ તરફ લઇ જવામાં આ ગ્રંથ જરૂર રાહબર બનશે. જૈન મહાભારતનું ગરવું ગૌરવ - પ્રતિપાદન અનોખી શૈલીથી કરાયું છે, જે વાંચકને નવીન અને સમ્યગ્દૃષ્ટિ અર્પી જાય છે. ‘ધર્મ તો મારો સ્વભાવ છે’ - યુધિષ્ઠિરનો ધર્મપ્રેમ મસ્તક ઝુકાવી દે છે. અખંડ જપ-કાર્યોત્સર્ગમાં લીન કુન્તી-દ્રૌપદીએ પાંડવોને નાગરાજના બંધનમાંથી મુક્ત કર્યા. ભાવી તીર્થંકર શ્રીકૃષ્ણ - પાંડવો અને કૌરવો વચ્ચેનું યુધ્ધ અટકાવવા જે સખત પ્રયત્ન કરે છે, તેનું સુંદર વર્ણન પૂજ્યશ્રીએ કર્યુ છે. જૈન મહાભારતમાં શ્રીકૃષ્ણ જબ્બર રાજનીતિજ્ઞ તરીકે ઉપસી આવ્યા છે. દુષ્ટોના હાથમાં હસ્તિનાપુરની સત્તા ન જ આવવી જોઇએ; આ માટે પ્રખર રાજકારણી તરીકેના રોલમાં શ્રીકૃષ્ણએ જે કરવું પડે તે આબાદ પાર પાડયું છે.શ્રીકૃષ્ણનું કરુણ મોત નિયતિની મહાનતા જણાવી જાય છે. પાંડવો છેલ્લે દીક્ષાના માર્ગે જઇને આત્મ-કલ્યાણ કરે છે.