પૂજયપાદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાના ‘અધ્યાત્મસાર’ ગ્રંથના ‘દંભ અધિકાર’માંથી ૧૩થી ૨૧ શ્લોકોનું હૃદયસ્પર્શી વિવેચન આ પુસ્તિકામાં પૂજ્યશ્રીએ અદ્ભુત શૈલીમાં વર્ણવ્યું છે. સાધુજીવનમાં ‘દંભ’ પાપની ભયાનકતા ખૂબ સ્પષ્ટ રીતે ગ્રન્થકારશ્રીએ રજૂ કરીને ‘દંભ’ના ભયાનક દોષથી જાતને મુક્ત રાખવાની ખાસ પ્રેરણા કરી છે. ભયંકરમાં ભયંકર પાપ આત્મશ્લાઘા ! અને પરનિંદા ! - આ બે ય પાપો દંભીઓની દુનિયાની જ પેદાશ છે. જેના અંતરમાં અહંકાર ધોળાયા કરે છે તે આ બે પાપોથી મુક્ત રહી જ શકતો નથી. અહંકારની આસપાસ સમગ્ર પાપલીલાનું સર્જન થાય છે. ગ્રંથકારશ્રી આત્માર્થી જીવોને ખાસ પ્રેરણા આપી રહ્યા છે કે ‘તમારે મહાઅનર્થની એકધારી પરંપરાની જનેતા સમી માયાને ખૂબ જલ્દી દૂર કરવી જોઇએ. આ માયા નાગણી તમારા તપ - જપ - ધ્યાન - જ્ઞાનાદિને ગળી જશે.’ ગ્રંથકારશ્રી વીસમા શ્લોકમાં જણાવે છે કે, ‘ભગવાનની એક જ આજ્ઞા છે કે જે કાંઇ શિષ્ટમાન્ય પણ કરવું તે તદૃન સરળ ભાવે કરવું.’ છેલ્લા શ્લોકમાં પૂજ્યશ્રી જણાવે છે કે, ‘અધ્યાત્મમાર્ગે આગળ વધવા ઇચ્છુક આત્માર્થીજનોને દંભ જરા પણ ઉચિત નથી. જેમ હોડીમાં પડેલું નાનું છિદ્ર પણ હોડીને ડુબાડી દેવા સમર્થ છે, તેમ નાનકડો દંભ પણ..... ’ આ પુસ્તિકા મનનપૂર્વક વંચાશે તો દંભની ભયંકરતા સમજાયા વિના નહિ જ રહે.