પૂજ્યશ્રીના કેટલાક “વિશિષ્ટ” પ્રવચનોના “વિશિષ્ટ”પદાર્થોને કંડારતુ આ પુસ્તક ખરેખર “વિશિષ્ટ” છે. સંસારી સુખની કારમી અસારતા પૂજ્યશ્રીએ વિવિધ લેખો દ્વારા સુસ્પષ્ટ કરી છે. ભોગસુખની ભયંકરતા અને મોક્ષસુખની ભદ્રંકરતા સમજાયા વિના ન જ રહે તેવી સરળ શૈલીમાં આ લેખનકાર્ય થયું છે. “હે માણસ! છેવટે તું માણસ થાઃ સુખી થાઃ ર્સ્વગે જા” - પ્રકરણમાં પૂજ્યશ્રીએ “ માણસ” -ની વ્યાખ્યા સુપેરે આલેખી છે. “ સુખી કોણ ?” - આ અંગે પણ સુંદર ચિંતન- નવનીત પીરસ્યુ છે. વીર વગેરે ત્રણ મંગલોનું સુંદર સ્વરૂપ પૂજ્યશ્રીએ જણાવ્યું છે. વિશ્વકલ્યાણનું મૂળ “કરૂણા” ને જણાવીને પ્રભુ મહાવીરદેવની અદ્ભુત કરુણાના સુંદર પ્રસંગોનું વાંચન તારક દેવ પ્રત્યે અહોભાવ-વૃધ્ધિ કરાવ્યા વિના ન જ રહે. કમ સે કમ મહત્વની ચાર હિંસાઓ-માતાપિતાને ત્રાસ, ગર્ભપાત,ડાયવોર્સ(છૂટાછેડા) નોકરોનું શોષણ- બંધ કરવાની કરુણાર્દ્ર પૂજ્યશ્રીએ ભારપૂર્વક ભલામણ કરી છે. વિશ્વમાં ચાલતા ભયંકર હિંસાના તાંડવને નાથવા માટે પૂજ્યશ્રી ખૂબ ચિંતિત છે. આ હિંસાતાંડવની ઉપેક્ષા નહિ કરવા ખાસ ભાર આપ્યો છે. જ્યારે દેશમાં ગરીબીનો વ્યાપ વધુ પ્રમાણમાં છે ત્યારે જીવનભર માટે તમામ ફેશનો+વ્યસનોનો ત્યાગ કરવાનું દયાળુ પૂજ્યશ્રી ખાસ જણાવે છે.