પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં અનેક વિષયો ઉપર ચિંતનો ખૂબ અદ્ભુત રીતે વર્ણવ્યા છે. આવો સુંદર બોધ - નવનીત પામીને જીવો આત્મવિકાસમાં જરૂર આગળ વધી શકે છે. કૌટુંબિક જીવનમાં સાધુપણાની ‘નેટ પ્રેકટીસ’ થાય છે. સાધુ બનનાર માટે આ ચિંતન મનનીય છે. મલિન દેવતત્વોને દૂર કરવા અંતરિક્ષમાં ગાબડાં પાડવા શું કરવું ? તેનો સુંદર ઉપાય પૂજ્યશ્રીએ દર્શાવ્યો છે. મહાપુણ્ય અને મહાપાપની પૂજ્યશ્રીએ જણાવેલ વ્યાખ્યા ખરેખર અદ્ભુત છે. અરિહંત પરમાત્માની દેશનાનો સાર પૂજ્યશ્રીએ ઉંડા મનોમંથન બાદ તારવીને જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. તારક તીર્થંકર દેવને ય કર્મે છોડયા નહીં ! આ ચિંતન વાંચ્યા બાદ કુટિલ અને કાતિલ કર્મસત્તા સામે લાલ આંખ કર્યા વિના નહિ જ ચાલે. સાચો ધર્મી કોને કહેવાય ? પૂજ્યશ્રીએ ધર્મીની ખૂબ સુંદર વ્યાખ્યા કરી છે. આવા સાચા ‘ધર્મી’ કેટલા જોવા મળે ? ‘કમ ખાના : ગમ ખાના : નમ જાના’ આ અંગે પૂજ્યશ્રીએ વર્ષોના અનુભવ બાદ સુંદર ચિંતન તાર ખેંચ્યો છે. દેવાધિદેવના ઉપદેશનો સાર ‘તું માણસ થા, મુનિ થા, મોક્ષે જા’- આ અંગે પૂજ્યશ્રીએ કમાલ ચિંતનકળા રજૂ કરી છે. ‘સીસ દીએ જો ગુરુ મિલે’....આ ચિંતનમાં પૂજ્યશ્રીએ ગુરુતત્વની મૂંઠીઊંચેરી મહાનતા વર્ણવીને ગુરુદ્રોહના ગોઝારા પાપથી બાર ગાઉ છેટા રહેવાની ભલામણ કરી છે.