શાસ્ત્રજ્ઞ પૂજ્યશ્રીએ અદ્ભુત ચિંતનરત્નો આ પુસ્તકમાં આલેખ્યા છે, જે વાંચતા મને અપૂર્વ આનંદની અનુભૂતિ થઇ છે. સંસારી સુખમાં ‘સુખ’ માનવાનો ભ્રમ ભાંગીને ભુક્કો થઇ જાય અને જીવ સાચા સુખની પ્રાપ્તિ (મોક્ષ) તરફ અચૂક વળી જાય, જો આ પુસ્તકનું ખૂબ જ મનન થાય તો. ‘સમ્યગ્દર્શન’ની મહાનતા પૂજ્યશ્રીએ અદ્ભુત રીતે વર્ણવી છે. સમ્યગ્દર્શનની કદાચ પ્રાપ્તિ થઇ જાય (આ વાંચતા) તેવા અપૂર્વ ભાવો આ વાંચનથી ઉછળવા લાગે છે. પૂજ્યશ્રીએ વિજ્ઞાનની પ્રગતિ (?)ને તેજાબી કલમ દ્વારા ખૂબ ધિક્કારી છે. વિજ્ઞાન પરથી શ્રદ્ધા હટાવીને ધર્મ ઉપર જ શ્રદ્ધા જામી જાય તેવું હૃદયસ્પર્શી લખાણ છે. પૂજ્યશ્રીએ ચૌદ પૂર્વના સારભૂત ‘નવકાર’ની મહાનતા વર્ણવીને ‘નવકારશ્રદ્ધા’ વધી જાય તેવો અસીમ ઉપકાર કર્યો છે. પ્રભુપ્રેમી પૂજ્યશ્રીએ પોતાના વહાલા પરમાત્માની સાચી પિછાણ લાગણીશીલ ભાષામાં વર્ણવી છે. જિનપ્રતિમા, જિનપૂજાના વિરોધી તત્વોને પડકારની ભાષામાં ઉઘાડા પાડ્યા છે. ‘જિનપૂજા’ શા માટે ? તે અંગે પૂજ્યશ્રીએ સચોટ દલીલો આપી છે. ‘જનસેવા એ જ પ્રભુસેવા’ માનનારા તત્વોની બદચાલ ઉઘાડી પાડી છે. ટૂંકમાં આ પુસ્તકના અનેક લેખોનું જો શાંત ચિત્તે વાંચન થાય તો જીવને સાચી શાંતિ, કુટુંબમાં સંપ, મરણમાં સમાધિની અચૂક પ્રાપ્તિ થાય.