પૂજ્યશ્રીએ સંવેદનશીલ ભાષામાં આજના યુવાનની જીવનકથા ‘યુવાનના સ્વમુખે’ ખૂબ સચોટ રીતે વર્ણવી છે. પરમેશ્વર સમક્ષ પોતાની દર્દીલી દાસ્તાનને આંસુ સાથે આ યુવાન પ્રગટ કરી રહ્યો છે. સહુ પ્રથમ આર્યદેશના મહાન આત્માઓની યશોગાથા આ યુવાને વર્ણવી છે. ૯-૧૦ વર્ષની ઉંમર થતાં કુમિત્રોની કુસોબતે આ યુવાન સિનેમાની લતે ચડયો. કુસંગ દ્વારા આ યુવાનના અનેક પ્રકારે અધઃપતનો શરુ થયા. પ્રણયકથાઓ, સહશિક્ષણે આ યુુવાનના જીવન ઉપર ફરી વળવા માટે સ્ટીમરોલરનું કામ કર્યુ. માતાપિતાની ધરાર ઉપેક્ષાથી આ યુવાન ઘણી બધી બાબતે તન-મન-ધનથી બરબાદ થયો. શિક્ષકો વગેરે દ્વારા સંસ્કારી ઘડતરની ઘોર અવગણના થઇ. અત્યંત વિકૃત જીવનની કલંક કથાનો કાળો ઇતિહાસ સર્જાઇ ગયો. જાતીયતાની ‘ચળ’ બધી જ ભયજનક સપાટીઓને વટાવી ચૂકી હતી. એ ચળને શાંત કરવા અનેક રસ્તાઓ અપનાવવા છતાં તૃપ્તિ ન જ મળી. આમ આંતર-જીવનથી આ યુવાન મરતો ગયો અને અનેકોેને મારતો ગયો. દંભની કળા આ યુવાને એટલી બધી આત્મસાત્ કરી કે હજી આજ સુધી પણ કોઇ પકડી શકયું નથી. ‘સત્સંગ’ વિના ધર્મ નહીં સમજનારની કેવી બેઢંગી કુહાલત થાય છે, તેનું આબેહૂબ સ્વરુપ આ પુસ્તકથી જાણ્યા બાદ વાલીઓ જો ચેતી જાય તો ખૂબ સારું.