ખુમારીપૂર્ણ પૂજ્યશ્રીએ પૂરી મર્દાનગી સાથે કેટલીક કડક વાતો પૂરી નિર્ભયતાથી આ પુસ્તકમાં રજુ કરી છે; જે ખરેખર ધન્યવાદને યોગ્ય છે. વિવિધ ૬૮ ટૂંકા લેખોમાં ખૂબ સુંદર ચિંતન- નવનીત પીરસ્યું છે. તમામ દોષોનું મૂળ અહંકાર - આ ચિંતન ખૂબ મનનીય છે. મંદિરોના સર્જન પાછળના રહસ્યનો પૂજ્યશ્રીએ ઉઘાડ કર્યો છે. સાચા સાધુના લક્ષણો પૂજ્યશ્રીએ ખૂબ સુંદર જણાવ્યા છે. બાળ દીક્ષા અને બહેન દીક્ષા માટે પૂજ્યશ્રીના વિચારો ખૂબ મનનીય છે. “ આટલું જ કરો : જીવન ધન્ય બની જશે” પૂજ્યશ્રીની આ ચિંતન-શીખ જીવનમાં ઉતારી દઇએ તો... “ વધુ શિષ્યોની લાલચમાં કોઇ ધસી જતા નહી”- આ ચિંતન ઝટ-ઝટ દીક્ષા આપનારે ખાસ વાંચવા જેવું છે. નવી પેઢીને તપોવનોથી કે પાઠશાળાઓથી બચાવવાની પૂજ્યશ્રીએ ભારપૂર્વક ભલામણ કરી છે. જંગમતીર્થ સ્વરૂપ શ્રમણો અને શ્રમણીઓના દર્શન-વંદનાર્થે શ્રાવકોએ દર વર્ષે એકવાર અવશ્ય જવું જોઇએ. સાધુઓને જીવન-સ્થિરતા માટે દરરોજ દોઢ કલાકનાં જપ- કાયોત્સર્ગનું અનુષ્ઠાન અખંડપણે કરવાની પૂજ્યશ્રીએ પ્રેરણા કરી છે. ઘંટાકર્ણ, ભૈરવ, પદ્માવતી આદિ દેવ-દેવતાઓનો મહિમા વધારી દઇને તરણતારણહાર જિનેશ્વર દેવોને ગૌણ બનાવી દેતાં કેટલાક તત્ત્વોની પ્રભુપ્રેમી પૂજ્યશ્રીએ સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.