દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર કહ્યું છે કે, ‘જગતના કલ્યાણ માટે બાહ્ય આચાર માર્ગ અવશ્ય સુંદર રાખવો.’ આચારની અશુધ્ધિ અનેક માણસોને અધર્મ પમાડે. જાતે તો ડૂબે, પણ નિરપરાધી જગતને ય ડુબાડે. દેવાધિદેવ પ્રભુ મહાવીરની નિષ્ફળ દેશનાનો સફળ સંદેશ એ જ છે કે “ શાસન ચલાવવા માટે તો આચારસંપન્નની જ જરુર છે” સાચા સંતો પોતાની આચારશુદ્ધિ દ્વારા એવું અપૂર્વ આત્મબળ કેળવે છે કે જેના દ્વારા તદૃ્ન સહજ રીતે સહુનાં અંતર ઉપર ધર્મનો પ્રભાવ વિસ્તારે છે. સૂક્ષ્મની તાકાતની મહાનતા વર્ણવતા પૂજ્યશ્રી લખે છે કે, ‘અંતરમાં પલાઠી મારીને બેસો, એમાંથી ઉત્કૃષ્ટ તાકાતનું સજર્ન થશે.’ જ્ઞાન પણ ભારરુપ છે જો આચારમાં ન ઉતરે તો ! આચાર અને વિચારનો ગાઢ સંબંધ છે. વિચાર બગડયા વિના આચાર બગડે નહીં અને આચાર સુધરે તો વિચાર સુધરે. શરીરને અશુભમાર્ગે નહીં જવા દઇએ તો અશુભમાં દોડી ગયેલા મનને છેવટે થાકીને ય પાછું આવી જવું પડશે. જેટલી આચારશુધ્ધિ તેટલી સાહજિક વિચાર શુઘ્ઘિ, અને અન્તે મોક્ષભાવની સિદ્ધિ. સાધુ બનવાના આદર્શ વિનાનો કદી સારો બની શકે નહીં. બીજાને થોડું પમાડવા જાતે ઘણું પામવું પડે. જીવમાત્રના કલ્યાણની ભાવનાને થોડા ઘણા અંશે પણ જીવંત બનાવવી હશે તો તેનો ઉપાય સ્વકલ્યાણની જીવંત સાધનાનો જ છે.