મૃતપ્રાયઃ થયેલા ઘણા બધા આચારોને જોઇને ધ્રૂજી ઉઠીને વિચારોને જીવાડવા મથતી પૂજ્યશ્રી લિખિત ‘વિચારસંહિતા’ ખરેખર મનનીય છે. આ ‘વિચારસંહિતા’ દરરોજ એક વાર શ્રાવકોએ વાંચી જવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. પૂજ્યશ્રી લિખિત કેટલાક વિચારરત્નોનો રસાસ્વાદ માણીએ. હું ભૌતિક સુખમાં લીન નહીં થાઉં, તેમ કોઇ આવી પડનારા દુઃખમાં દીન પણ નહીં થાઉં. આ ટી.વી. બોકસ ભારતીય મહાપ્રજાની જીવાદોરી સમી સંસ્કૃતિ ઉપર જીવલેણ પ્રહારો કરી રહેલ છે. આ ચીજને જલ્દીમાં જલ્દી તિલાંજલિ આપીશું. મારા વહાલા સંતાનો વગેરેના જીવનનું સુંદર સંસ્કરણ કરવા એમને તપોવન જેવી સંસ્થાઓમાં દાખલ કરીશ. મારા આખા કુટુંબે કડક સંકલ્પ કરવો પડશે કે રાતે સાડા નવ પછી ઘરની બહાર કયાંય રહેવું - જવું નહીં. મારા ઘરના દરેક ખંડમાં હું બોર્ડ મૂકાવીશ, જેમાં લખ્યું હશે, ‘આપણને બધા વિના ચાલશે પણ ધર્મ વિના તો નહીં જ ચાલે.’ અમારા કુટુંબે સુખી અને શાંત જીવન પસાર કરવું હોય તો કોઇપણ સંયોગમાં ક્રોધ ન જ કરવો જોઇએ. હવેથી નાની વાતોને હું લેટ ગો કરીશ. મન ઉપર લઇશ જ નહીં. ગંભીર બાબતોેને ‘લેટ ગોડ’ કરીશ. મારા ભાગ્ય ઉપર છોડીને મનની સ્વસ્થતા જાળવી રાખીશ.