પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં અનેક શાસ્ત્રોના સુંદર ૩૫ શ્લોકો ઉપર ખૂબ સુંદર વિવરણ કર્યુ છે. પુસ્તકના પ્રથમ શ્લોકમાં યોગસાર ગ્રંથના એક શ્લોક ઉપર સુંદર પ્રકાશ પાથર્યો છે. ‘ધર્મબુધ્ધિથી કરાતી કેટલીક પ્રવૃત્તિઓ અધર્મકાર્યરુપ બની જવા સંભવ છે!’ પૃ. ૬ ઉપરના શ્લોકમાં મૃત્યુથી ભય પામવાને બદલે ‘અજન્મા’ બની જવાની પ્રેરણા કરી છે. પૃ. ૮ ઉપરના શ્લોકમાં જગતના માણસોને વશ કરવા માટે ‘નિંદા- મહાપાપથી’ જાતને મુક્ત રાખવાની વાત કરી છે. પૃ. ૧૦ ઉપરના શ્લોકમાં કોઇ પણ જીવમાં નાનકડો પણ સદગુણ દેખાય તો મોટું આશ્ચર્ય માનવાની વાત કરી છે. પૃ. ૨૧ ઉપરના ઇન્દ્રિય પરાજય શતક ગ્રંથના શ્લોકમાં જણાવાયુ છે કે, ‘જેમ જેમ દોષો વિરામ પામે અને વિષયો પ્રત્યે વૈરાગ્ય જાગે તેમ તેમ જીવે પરમપદ (મોક્ષ) નજીક જાણવું.’ પૃ. ૨૨ ઉપરના શ્લોકમાં જણાવાયું છે કે, ‘જે આત્મા રાગ-દ્વેષના વશમાં હોય તે ખૂબ દુઃખી જાણવો અને જે આત્માના કબજામાં રાગ-દ્વેષ હોય તેના કબજે બધા સુખો જાણવા.’ પૃ. ૨૬ ઉપરના શ્લોકમાં ખૂબ સુંદર વાત લખી છે. રાગાદિના સકંજામાંથી છૂટવાની ઇચ્છા હોય તો અકામ અને અક્રોઘ એવા પરમાત્માનું જ ધ્યાન ધરો,એનું જ અનન્ય શરણ સ્વીકારી લો. પૃ. ૨૭ ઉપર શાસ્ત્રના રહસ્ય સમાન વાત લખી છે. ‘પોતાના સુખની ઇચ્છાવાળા જીવો દુઃખી જાણવા, જયારે સર્વના સુખની ભાવનાવાળા જીવો સુખી જાણવા.’