પૂજ્યશ્રીએ સૌપ્રથમ વર્ણવેલા મહાન માર્ગાનુસારી આત્માઓના પ્રેરક પ્રસંગો, ઉપરના ગુણસ્થાનવર્તી જીવોને ચાનક લગાડીને તેમના જીવનને વ્યવસ્થિત કરવામાં સહાયક બનતાં હોય તો કશું ખોટું નથી. અજ્ઞાનતા અને અતૃપ્તિ - આ બે વસ્તુ માર્ગાનુસારી ગુણોની નાશક હોવાથી તેનાથી વેગળા રહેવાની પ્રેરણા કરી છે. ઉત્તમ વગેરે ત્રણ પ્રકારના માનવોની વાત અનેક દૃષ્ટાંતો દ્વારા કમાલ શૈલીમાં કરી છે. અપેક્ષાએ માણસના છ પ્રકારો પણ વર્ણવ્યા છે. સુખી માણસ અને સારો માણસ-આ વિષય ઉપર પૂજ્યશ્રીએ વિસ્તૃત વિવરણ કર્યુ છે. જે પ્રભુનો ભક્ત તે સારો માણસ. જીવનમાત્રનો મિત્ર તે ખરો માણસ. જાતનો પવિત્ર તે પૂરો માણસ- આ વિષયની પૂજ્યશ્રીએ અનેક દૃષ્ટાંતોના માધ્યમથી સુંદર વિવેચના કરી છે. આ ત્રણેય પ્રકારના માણસનું એક લક્ષણ ‘આંસુ’ જણાવ્યું છે. પૂજ્યશ્રીએ સત્સંગના અનેક લાભો જણાવ્યા છે. જૈન શ્રમણો+જિનવાણી શ્રવણ- આ બેના સત્સંગે અનેકો આત્મોત્થાનના સન્માર્ગે વળ્યા છે. શિક્ષણ દ્વારા આજના બાળકો કુસંગથી બરબાદ થાય છે. બાળકોને કુસંગથી બચાવવા વાલીઓને ખાસ પ્રેરણા કરી છે. ધર્મકટ્ટર માતા-પિતાને લૌકિક ગુરુ જણાવીને તેમની સેવા કરવાની ખાસ સલાહ આપી છે. દેવ,ગુરુ, ધર્મમાં એક અપેક્ષાએ સૌથી વધુ મહત્વ ‘ગુરુ’ તત્વનું છે. જેના દ્વારા દેવની સાચી ઓળખાણ થાય છે અને ધર્મની સાચી સમજૂતી પ્રાપ્ત થાય છે.