સિદ્ધાન્તમહોદધિ, સચ્ચારિત્રમૂર્તિ, કર્મોપનિષદ્વેદી, ગચ્છાધિપતિ ભગવાન પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું સચિત્ર જીવનદર્શન પરમ ગુરુભક્ત પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં આલેખ્યું છે. મુનિજીવનના કઠોરતમ સંયમપંથને પણ સુંવાળો બનાવી આપવાની અનુપમ સિદ્ધિ આ વાત્સલ્યમયી ‘મા’એ પ્રાપ્ત કરી હતી. વાત્સલ્યની જાદૂઇ લાકડીથી નવયુવાન સાધુઓને ત્યાગ - જીવનના કટ્ટર પ્રેમી બનાવી દીધા હતા. બાળદીક્ષા પ્રતિબંધક બિલની સામે પ્રચંડ ઝંઝાવાત ઊભો કરીને એ બિલના કાગળિયાના ફુરચેફુરચા ઉડાવી મૂકયા હતા. હજારો આત્માઓને પૂ. સૂરિજીએ સમ્યગ્દર્શનની ભેટ ધરી હતી, સેંકડો આત્માઓને સુખમય સંસારથી વિરકત બનાવીને પ્રવ્રજ્યાના પુનિત પંથે ચડાવી દીધા હતા. “ઓ શિષ્યો ! તમે જો ખરેખર મારી ચિંતા કરવા ઇચ્છો છો તો મારા સળગી જનારા દેહની ચિંતા ન કરો પણ મારા અવિનાશી આત્માની ચિંતા કરો.” પૂજ્યશ્રીના અંતરના આ ઉદ્ગારો જીવંત ‘સંયમપ્રેમ’ જણાવી જાય છે. પૂજ્યશ્રીએ ‘વાત્સલ્યદાન’ દ્વારા સાધુઓને રોજના ૧૪ થી ૧૮ કલાકનો સ્વાધ્યાય કરતા કરી મૂકયા હતા. સ્વાધ્યાય વિનાની પળો પૂજ્યશ્રીને સો સો કીડીના ચટકા જેવા ત્રાસ દેનારી બનતી. એકાશનનું વ્રત પૂજ્યશ્રીના જીવનમાં ઓતપ્રોત થઇ ચૂકયું હતું. એકાશન પણ માત્ર સાત મિનિટમાં પૂર્ણ થઇ જતું. રાત્રે ૨ થી ૨ાા વાગે ઊઠી જઇને કર્મસાહિત્યનું પારાયણ કરતા. વિ.સં. ૨૦૨૪ની સાલના વૈ. વદ ૧૧સના રાત્રે ૧૦ ને ૪૦ મિનિટે વીર.... વીર....ના જપ સાથે પૂજ્યશ્રીએ દેહત્યાગ કર્યો.