પૂજ્યશ્રીના ચિંતન-સંગ્રહનું આ પુસ્તક ખરેખર અદ્ભુત છે. ટૂંકાણમાં લખાયેલા લેખો હૃદયસ્પર્શી સાબિત થાય તેમ છે. ધર્મબુદ્ધિથી કરાતાં સેંકડો કાર્યોને દીર્ઘદૃષ્ટિથી પાપકાર્યો જ કહી દેવા પડે. મોતથી છટકવા માટેનો એક જ રસ્તો ‘અજન્મા’ બનવાનો છે. જે જન્મતો જ નથી એને મોત કદી મારતું નથી. લોકશાહીની આખી ઇમારત બહુમતવાદના હળાહળ જૂઠના પાયા ઉપર જ ખડી થઇ છે. જો જગતને વશ કરવું હોય તો કોઇની પણ નિંદા કરવાનું બંધ કરી દો. કોઇનામાં નાનો પણ ગુણ દેખાય તો રાજી રાજી થઇ જજો. અત્યંત ક્ષણિક આ માનવજીવનમાં વિનાશી ભોગ સુખો સાથેનો પ્રણય સંબંધ બાંધવા કરતાં અવિનાશી એવા સિદ્ધપદની જ પ્રીત કેમ ન બાંધવી ? દુનિયાને રીઝવવા કરતાં જાતને જ રીઝવવાના કામમાં લાગી પડીએ. રાગાદિના સંકજામાંથી છૂટવાની ઇચ્છા હોય તો અકામ અને અક્રોધ એવા પરમાત્માનું જ ધ્યાન ધરો, એનું જ અનન્ય શરણ સ્વીકારી લો. સંસાર - સાગર તરવા માટે નાવડી સમાન પ્રવચન (શાસ્ત્ર)ભક્તિ જ શ્રેષ્ઠ રસ્તો છે. કામને અધમ પુરુષાર્થ કહેનારા સંતોએ અર્થને અધમાધમ પુરુષાર્થ કહ્યો છે. સંતપુરુષોના મહિમાની (સત્સંગ)ની વાત ન્યારી છે. સાચા સંતની અમી નજર અનેક આપત્તીઓને ‘રુક જાવ’નો આદેશ આપી શકે છે.