પશ્ચિમની ગોરી પ્રજા પાસે વારસાગત ‘અધ્યાત્મ’ની કોઇ જ પ્રાપ્તિ નથી. આમ આધ્યાત્મિક વારસો ન હોવાથી ત્યાં આત્મશક્તિ, આત્મશુધ્ધિ, આત્મજાગૃતિ વગેરેનો મૌલિક વિચાર મળી શકે તેમ નથી છતાં પશ્ચિમના ઝેરી વિચારોના પ્રશંસક શા માટે બનવું જોઇએ ? આમાં કઈ દેશભક્તિ હશે ? જૂની પેઢીના મહાનુભાવોએે આ પશ્ચિમપરસ્તીને સત્વર દેશવટો દેવો ઘટે. મહાસંતોની સંસ્કૃતિમાં સુખને કદી પણ મહત્વનું સ્થાન આપવાનો પાઠ નથી, પણ ‘સારા’ બની રહેવા માટે દુઃખી બની રહેવું પડતું હોય તો જરા ય મનને દીન બનાવવાનું નથી; જ્યારે પશ્ચિમની પ્રજા ખરાબમાં ખરાબ બનીને પણ સુખી બની જવાનો અભિલાષ સેવે છે. આ બે જુદી વિચાસરણીનો મેળ કયાંથી આવે ? પૂજ્યશ્રીએ પશ્ચિમની ગોરી પ્રજામાં વ્યાપેલા અનાચારના સડાને ખૂબ સુંદર રીતે પુસ્તકમાં રજૂ કરીને ભારતની સંસ્કૃતિવ્યવસ્થાને સર્વાંગસુંદર જણાવી છે. પશ્ચિમના દેશોની હવામાં અનીતિ, અનાચાર, અન્યાય, અરાજકતા અને સ્વચ્છંદતાની ભયાનક બદબૂ ફેલાઇ છે. આ પશ્ચિમીકરણ આખા ઘરને અનાચારનો અખાડો બનાવશે; કલેશ, કજીયાઓની હોળીથી ભડકે જલાવશે; સ્વચ્છંદતાના ભયાનક ત્રાસમાં આખું ઘર ઝડપાઇ જશે. આ પુસ્તક - વાંચન બાદ દૃઢ સંકલ્પ કરો કે, ‘હવે અમે પશ્ચિમપરસ્ત કદી નહિ બનીએ. અમે તો અમારી આર્યસંસ્કૃતિની આબોહવામાં જ જીવીશું. આ જીવનપધ્ધતિ જ સુખ, શાન્તિ અને સદ્ગતિ આપી શકે તેમ છે.’