પૂજ્યશ્રીએ સૌપ્રથમ સમ્યગદર્શનનો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. સમકિતી જીવ જીવમાત્રનો મિત્ર હોય. ભક્તિ, મૈત્રી, શુદ્ધિના પ્રતાપે જીવંત શૌર્યનો તે સ્વામી હોય. સમકિતી જીવ સુખે અલીન હોય, દુઃખે અદીન હોય, પાપે અલીન હોય, ધર્મે અક્ષીણ હોય, બુધ્ધિમાં અહીન હોય. સમ્યગ્દર્શનનો પ્રભાવ ખૂબ વિસ્તૃત રીતે વર્ણવ્યો છે. શ્રી જયવીયરાય સૂત્રમાં ‘ઇષ્ટફલસિધ્ધિ’ શબ્દનો અર્થ એ કરવામાં આવ્યો છે કે મોક્ષમાર્ગની આરાધના કરતાં જીવને જેના અભાવમાં અસમાધિ પેદા થવા દ્વારા મોક્ષમાર્ગની આરાધના અટકી પડે તેવી સ્થિતિ સર્જાય તો તે ભૌતિક પદાર્થની માંગણી પરમાત્મા પાસે પ્રાર્થનારૂપે કરી શકાય. ધર્મહીન સુખી લોકો વર્તમાનમાં પાપમય જીવન જીવતાં હોવાથી તેમનું ભાવિ દુઃખમય હોય છે, પોતાના સ્વાર્થોની સિધ્ધિ માટે બીજાઓના વર્તમાનને તેઓ દુઃખમય બનાવતા હોય છે. પૂજ્યશ્રીએ અનેક રીતે સમ્યક્ત્વના પ્રકારો જણાવ્યા છે. આ વાંચનથી પૂજ્યશ્રીના અગાધ શાસ્ત્રીય જ્ઞાનની સુંદર જાણકારી પ્રાપ્ત થશે. ‘આત્મા છે’ - આદિ ષટ્સ્થાનની ટૂંકાણમાં સુંદર સમજણ આપી છે. આઠ યોગદૃષ્ટિઓ ઉપર સુંદર વિવરણ કર્યુ છે. ચૌદ ગુણસ્થાનકો ઉપર પૂજ્યશ્રીએ સરળ શૈલીમાં સમજણ આપી છે. જિનાજ્ઞા બહુમાન સ્વરૂપ ‘શાસન’ની હૈયામાં પ્રતિષ્ઠા થઇ જાય તો પાપકર્મો પોતાનું ફળ દેખાડવા અસમર્થ બની જાય. જયાં જિનાજ્ઞા બહુમાન છે ત્યાં જ મંગલો, કલ્યાણો અને ધર્મો પ્રાણવંતા બની જાય છે.