પૂજ્યશ્રી લખે છે કે આ રીતના પુસ્તક-પ્રકાશનથી ઘણા બધા આત્માઓ આર્યાવર્તની સંસ્કૃતિને પામે, જિનશાસનના સમ્યગ્દર્શન અને વિરતિધર્મની સ્પર્શના કરે.પૂજ્યશ્રીએ વિહાર દરમ્યાન કરેલા પંદર પ્રવચનો ઉપર ખૂબ સરળ શૈલીમાં આલેખન કર્યું છે. “સુખી” બનવાની તીવ્ર ઇચ્છાવાળા માનવદેહે “પશુ” છે. અથવા પશુ બનતાં તેને વાર લાગતી નથી. જેની “સારા” બનવાની તીવ્ર ઇચ્છા હોય તે માનવદેહે “માનવ” છે. મહામાનવ બનતા વાર નથી લાગતી. ઘરના મુખ્ય ખંડોની દિવાલ ઉપર આ બોર્ડ મૂકાવું જોઇએ કે “અમારે બધા વિના ચાલશે પણ ધર્મ વિના તો નહિ જ ચાલે.” શ્રીમંત લોકોની બે મોટી ખાસિયત છે. એમનો સ્નેહ, સ્વાર્થ વિના હોતો નથી. એમની મૈત્રી, દગાથી જ અંત પામનારી હોય છે. જેને ભગવાન તરીકે જિનેશ્વરદેવ મળ્યા છે, ગુરુ તરીકે સુ-સાધુઓ મળ્યા છે, કરૂણામૂલક ધર્મ મળ્યો છે તે શ્રાવકોના(જૈનોના) વખાણ દુનિયાનો કયો ડાહ્યો માણસ કર્યા વિના રહે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે સરળ આત્મા જ પાપશુદ્ધિ (આલોચના) કરી શકે છે. પ્રજ્ઞાપનીય બની શકે છે. જ્યાં શુદ્ધિ છે ત્યાં જ ધર્મ છે. જ્યાં ધર્મ છે ત્યાં જ મોક્ષપ્રાપ્તિ છે. પશ્ચિમની જીવનશૈલીથી ઉછરેલા લોકો ભોગલંપટ હોય, ખૂબ સ્વાર્થી હોય, અત્યંત હિંસક હોય. વિદેશીઓએ ચાર પુરૂષાર્થની વ્યવસ્થા ઉપર મરણતોલ ઘા કરી દીધો છે.