આ ભાગમાં ‘કૃપાલુદેવ’ના પાત્ર દ્વારા પૂજ્યશ્રીએ ઘણી ઘણી સુંદર વાતો લખી છે. કૃપાલુદેવ પાંચ જંગમ તીર્થોની સ્પશર્નાઓ કરવા જાય છે, તે વાતો દ્વારા પૂજ્યશ્રીએ પ્રેરણાદાયી બોધ - નવનીતને પીરસવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. જે આત્માઓ ત્રણ ગુણોના “દેહાધ્યાસ - ત્યાગ, સર્વજીવસ્નેહ પરિણામ, સ્વદોષ દર્શન” - સ્વામી હોય તેમની ધર્મક્રિયાઓ ‘ધર્મ’ બનીને મોક્ષદાતા બની શકે. પાંચ ચક્રવ્યૂહો દ્વારા પ્રજાની જીવાદોરીનો નાશ કરવાનો પ્રયત્ન ચાલુ છે. (૧) જલાશયો પર હુમલો (૨) પશુઓનો નાશ (૩) જંગલોનો નાશ (૪) ભૂમિનો નાશ (૫) પ્રદૂષણ. ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન જો કરવું હોય તો તે અસલી સંતોથી જ થશે. જયારે શૈક્ષણિક સંસ્થાઓ બેકારી વધારવામાં મદદગાર બની છે અને તબીબી સંસ્થાઓ બિમારી વધારવામાં (ડ્રગ ડિસીઝ પેદા કરીને) મદદગાર બની છે ત્યારે ક્યાં સુધી તેને માનવતાના કાર્યમાં ખતવીને પોષ્યા કરવી ? દાનનો પ્રવાહ પશુપાલન તરફ, સાધર્મિકો તરફ, બાળ સંસ્કરણ વગેરે તરફ વાળવો જોઇએ, એવું પૂજ્યશ્રી જણાવે છે. સુવ્યવસ્થાના પ્રણેતા રાજા ઋષભ, સુવ્યવસ્થાના મહત્વના ઘટકો, એક હજાર વર્ષ પૂર્વેનું ભારતવર્ષ, ભારત વર્ષના માથે પનોતીના મંડાણ, લોકશાહી, એકતા વગેરે વિષયો ઉપર પૂજ્યશ્રીએ આગવું ચિંતન રજૂ કર્યુ છે. છેલ્લે, બાર સૂત્રો દ્વારા પૂજ્યશ્રીએ ખૂબ સુંદર વાતો (જિનશાસનના ઉજ્જવલ ભાવિ માટે) કરી છે.