પૂજ્યશ્રી લિખિત અદ્ભૂત આ ચિંતનોનું મનન કરાશે તો જીવનની ઘણી ચિંતાઓના ઉકેલ જડી જશે. નિંદા એવો સાબુ છે કે જે સાબુ, પાણી વગર સામી વ્યક્તિના મનને અને આત્માને ધુએ છે. નિદંકો સામી વ્યક્તિના આ રીતે ઉપકારી છે. સંસારત્યાગી મુનિઓ મુનિપણા પ્રત્યે પ્રચંડ આદરભાવ ધારણ કરે અને એવા જ મુનિઓની ગૃહસ્થો કદર કરવા લાગે તો જ અભ્યુદયની શકયતા છે. હે આત્મન્ ! અનાદિકાલીન વાસનાઓએ તારા શુધ્ધ - બુધ્ધ સ્વરૂપ ઉપર કાતિલ હુમલો કરી દીધો છે. તું અંદર જ યુધ્ધ કર. તારા ગુણોની કત્લેઆમ થઇ રહી છે. મહાપુરુષો જાત (શરીર) માટે વજ્રથી ય કઠોર હોય છે. જગતના સર્વ જીવો માટે કુસુમથી ય વધુ કોમળ હોય છે. ઉપકારી તત્વો પ્રત્યે તેઓ અત્યંત કૃતજ્ઞ હોય છે. શરીરમાં તો લગભગ સાત ક્રોડ રોગો છે જ, પરંતુ એ વાતની કયાં ખબર છે કે શરીર પોતે જ એક રોગ છે. વિશુધ્ધ આત્માને શરીર નામનું આ મોટું દૈત ગૂમડું લાગેલું છે. હું શુધ્ધ છું, બુધ્ધ છું, મુક્ત છું - આ શુધ્ધત્વની ખુમારી છે. રોજ દસ મિનિટ પોતાના શુધ્ધત્વનું જોે ખુમારીપૂર્વક ધ્યાન કરવામાં આવે તો તેના દ્વારા વિશુધ્ધ પુણ્યકર્મોનો એવો બંધ થાય કે જે કદાચ અણધાર્યા ચમત્કારો સર્જે. ભૂતકાલીન ભયંકર જીવનથી વ્યથિત થવાની કોઇ જ જરુર નથી. ભૂતકાળ ખરડાયેલો હોવા છતાં ભવિષ્યકાળ નિર્મળ બનાવી શકાય છે, માટે નિરાશ થવાની કોઇ જ જરૂર નથી.