પૂજ્યશ્રીએ સૌ પ્રથમ સદ્ગુરુ કોને કહેવાય ? સદ્ગુરુના સાત લક્ષણો, પથ્થરની નાવ જેવા કુગુરુઓ, અપાત્ર દીક્ષાઓથી ઘણું નુકસાન, દર્શનાચારના છેલ્લા ચાર આચારોનું મહત્વ વગેરે ઉપર પૂરી નિર્ભયતાથી કમાલ કલમ ચલાવી છે. શ્રી જિનેશ્વરદેવે જ કહ્યું છે ‘જે ગુરુ (સંવિગ્ન, ગીતાર્થ અને શાસ્ત્રચુસ્ત)ને માને છે તે જ મને માને છે’ (જો ગુરું મન્નએ, સો મમં મન્નએ). શ્રી તત્વાર્થ સૂત્રમાં ગુરુપારતન્ત્રયને જ બ્રહ્મચર્ય કહ્યું છે. બીજા દોષોનું ફળ તો આગામી ભવોમાં ય કદાચ મળતું હશે પણ ગુરુદ્રોહનું ફળ તો જલદીમાં જલદી પરચો બતાડી દેતું હોય છે. એ ફળ રૂપે ભૌતિક, શારીરિક, માનસિક બાધાઓ ઉત્પન્ન થાય. દેવાધિદેવની કૃપા પણ તેમની ઉપર જ ઉતરે છે, જે ગુરુદેવની કૃપાને પામે છે. પાંચ ઇન્દ્રિયોમાં સૌથી ખતરનાક રસનેન્દ્રિય છે. રસનાની ભયાનકતા પૂજ્યશ્રીએ સચોટ શબ્દોમાં વર્ણવી છે. દેહાધ્યાસત્યાગ, સ્વદોષદર્શન અને સર્વજીવસ્નેહપરિણામ દ્વારા સાચો ધર્મારંભ થવાની અદ્ભૂત વાત પૂજ્યશ્રીએ આલેખી છે. પૂજ્યશ્રીએ બાહ્ય તપ અને અભ્યંતર તપની ખૂબ મહાનતા વર્ણવી છે. સાધુ એટલે ભક્તિ, મૈત્રી અને શુધ્ધિનો ત્રિવેણીસંગમ. શૌર્યની ઉત્પત્તિ એ એની સહજ પ્રક્રિયા. ખુમારીમવાળા કેટલાક ઉત્તમ મુનિઓના પ્રસંગો ખુમારીપૂર્ણ પૂજ્યશ્રીએ આગવી શૈલીમાં આલેખ્યા છે. આ પુસ્તકના પાંચ ભાગોના વાંચન-મનનથી જિનશાસનના અદ્ભૂત પદાર્થોનો ‘સ્વાધ્યાય’ કરવાનો અનુપમ લાભ મળશે.