પ્રમાદજનિત શિથિલતાઓ અને ત્રુટિઓને દેવગુરુની કૃપા પામીને સત્વર સહુ દૂર કરે એવા એક માત્ર ઉદાત્ત આશયથી પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં શ્રમણજીવન અંગે સુંદર હિતશિક્ષા આદિનું પ્રદાન કર્યું છે. ગુરુ પ્રશસ્ત રાગી છે. રાગી રીઝે છે ! રીઝેલાની કૃપા ઉતરે જ છે. વાસનાને નામશેષ કરવા માટે “ગુરુકૃપા” ની આગવી જરુરીયાત પૂજ્યશ્રી ખૂબ ભાવપૂર્વક જણાવે છે. સ્વદોષદર્શન, દેહાધ્યાસત્યાગ, સર્વજીવ હિતપરિણામ- આ ત્રણ ગુણો દ્વારા સાચો ધર્મારંભ થાય છે. જિનશાસનની સેવામાં સાઘ્વીજી મહારાજો શું ફાળો આપી શકે ? આ પ્રશ્નનો અદ્ભુત પ્રત્યુત્તર પૂજ્યશ્રીએ આપ્યો છે. ખોમેમિ,મિચ્છામિ, વંદામિ-આ ત્રિપદીનો જપ કરવાની ખાસ પ્રરણા પૂજ્યશ્રીએ કરી છે. ત્યાગી -જીવનની સફળતાનો મૂળ મંત્ર પુજયશ્રીએ ઉંડા ચિંતન બાદ પ્રસ્તુત કર્યો છે. આધાકર્મી દોષનું નિષ્કારણ સેવન સાધુના બ્રહ્મચર્યાદિ સર્વ વ્રતોનું જડમૂળથી નિકંદન કાઢી નાંખનારું પૂજ્યશ્રી જણાવે છે. મુનિજીવનમાં ખૂબ જરુરી બે બાબતો પૂજ્યશ્રીએ સુંદર મનોમંથન બાદ જણાવી છે. અહંકાર અને તિરસ્કાર -આ બે દોષોથી આરાધકોેએ સાવધાન રહેવાની પૂજ્યશ્રીએ ચેતવણી આપી છે. નિત્ય,અખંડ અને સદ્ભાવપૂર્વક કરેલા જપનું બળ રાગ, દ્વેષાદિના તીરની સામે કવચનું કામ કરે છે. આ પુસ્તકમાં “સંવેદન” વિભાગમાં પૂજ્યશ્રીએ અંતસ્તલમાંથી નીકળતી હૃદયસ્પર્શી વાણી-ધોધ વહાવ્યો છે.