મહોપાધ્યાય ન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજાના વૈરાગ્યકલ્પલતા ગં્રથ (દશ હજાર શ્લોક પ્રમાણ)ના પ્રથમ સ્તબક (શ્લોક ૨૬૯ )ઉપર સંક્ષિપ્ત સંવેદનશીલ અનુવાદ પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ખૂબ સુંદર રીતે આલેખ્યો છે મુનિજીવનનો કઠોર પંથ સ્વીકારનારા માટે આ પુસ્તક-રત્ન ખરેખર ભોમીઆની ગરજ સારે છે. વિરાગની વેલડીના અસ્તિત્વને ભયમુક્ત કરી દેવા માટે ‘જિનભક્તિ’નો માર્ગ પકડવાનું આ ગ્રંથમાં સુચન છે. ‘ભક્તિ’ ને જાજરમાન બનાવા માટે તરત ‘સમાધિ’નાં શ્વાસ ખેેચવા લાગજો. અંતે તો આ ‘સમાધિ’ જ વિરાગની અને ભક્તિની સુરક્ષિકા છે. આ સમાધિનું વર્ણન છેલ્લા એક સો શ્લોેકમાં ખૂબ અદ્ભુત રીતે કર્યું છે. આ શ્લોકોનો સ્વાધ્યાય કરતાં ગમે તેવા અસમાધિસ્થ આત્માને પણ એ સમયે સમાધિ લાગી જ જાય. પૂજ્યશ્રી ખૂબ સુંદર વાત લખે છે, ‘આ સ્તબકના સ્વાધ્યાય વખતે જે સમાધિની લગન સ્પર્શવા મળે છે એ ય નિશ્ચિતપણે સમ્યગ્દર્શન -ગુણની નજાકત કળીનો સર્વાંગે સ્પર્શ અચૂકપણે કરાવી જાય છે, એમ કહું તો કદાચ આ વિધાન જરા ય ખોટું નહિ હોય.’ મોહરાજના ભયાનક આક્રમણ સામે હતાશ થયેલા ધર્મરાજને સદ્બોધ મંત્રી સલાહ આપે છે કે ‘આ જંગોમાં બળને બદલે કળનો ઉપયોગ કરવો જોઇએ, એ કળ છે વિશુધ્ધ પુણ્ય. એના ઉત્પાદન માટે એક જ શ્રેષ્ઠ ઉપાય છે‘ જિનભક્તિ.’ આવા તો અનેક આત્મવિકાસકારી માર્ગદર્શનો આ પુસ્તક સથવારે જિજ્ઞાસુ આત્માઓ અચૂક પ્રાપ્ત કરી શકે છે.’