સ્વાત્મા, સર્વાત્મા, જગત વગેરે સહુ હાલ એકદમ અરક્ષિત અને અનાથ સ્થિતિમાં ફંગોળાયા છે. વિશ્વની અગૌર પ્રજાઓ ઉપર ગોરી પ્રજાએ હાહાકાર મચાવી દીધો છે. પ્રગતિના ઓઠા નીચે કૃષિ, નારી, વર્ણાદિ વ્યવસ્થાઓ, શિક્ષણ, ધર્મ, આયુર્વેદ, પશુઓ, જંગલો, પર્યાવરણ વગેરેમાં - ગોરાઓએ પોતાના વફાદાર એજન્ટ એવા લાખો દેશી ગોરાઓ દ્વારા ઘૂસપેઠ કરીને તે બધાની અધોગતિ કરી. તેના વિકાસના ઓઠા નીચે વિનાશ કર્યો. આ વિનાશ મરણતોલ ફટકારૂપ હતો. એમાંથી ઉગારવાની કોઇ આશા હવે જણાતી નથી. જે લોકો જાગ્યા છે તે મોડા પડ્યા છે. તબેલામાંથી ઘોડો ભાગી ગયો છે. તેઓ તબેલાને તાળું મારવા દોડ્યા છે. પૂજ્યશ્રી આ પુસ્તકમાં ધર્મનું મૂઠીઉંચેરૂં મહત્વ બતાવતાં લખે છે કે, ‘ધર્મસેવન દ્વારા ધર્મની રક્ષા કરાશે તો અપેક્ષિત તમામ બાબતોની રક્ષા ધર્મ રાતોરાત કરી આપશે.’ પૂજ્યશ્રીએ સહુ પ્રથમ છ પ્રકારની મહાહિંસાઓ ઉપર સુંદર વિવેચન કર્યું છે. અતિથિસત્કાર અને શીલપાલનના મૂલ્યના મહિમાની સરળ ભાષામાં સમજણ આપી છે. વિવિધ વ્યવસ્થાઓ - વર્ણાશ્રમવ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, સંયુક્ત કુટુંબવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા, પર્યાવરણ-ચક્ર વ્યવસ્થા, ઉત્સવ વ્યવસ્થા - ઉપર પૂજ્યશ્રીએ આગવું ચિંતન રજૂ કર્યું છે. પૂજ્યશ્રીએ બીજા ખંડમાં સર્વવિરતિ ધર્મનો મહિમા વર્ણવ્યો છે. ગુણવાન બનવાની હાર્દિક પ્રેરણા કરી છે. ‘રોયલ સ્વભાવ’ - આ ગુણની ખૂબ મહત્તા ગાઇ છે. ‘સંતોષ’ને સર્વોત્કૃષ્ટ ગુણ જણાવ્યો છે.