આ ગ્રન્થ અતિ અદ્ભૂત છે. પ્રત્યેક શ્લોક કોઇ વૈરાગ્યથી તો કોઇ શાસ્ત્રીય પદાથર્થી ભરેલો છે. પૂજ્યશ્રીએ શ્લોકોનું સુંદર વિવેચન કર્યું છે. કેટલાક શ્લોકોનો ભાવાર્થ નીચે પ્રમાણે : કામવિકારના દોષમાં સપડાયેલી સૂર્યકાન્તા રાણીએ પતિ પ્રદેશીરાજાને મારી નાંખવાનું પાપ કર્યું ! જે ઉત્તમજનો છે તેઓ રૂપવતી, યૌવનવતી કે ગુણવતી કન્યાઓ તરફ અથવા સાંસારિક સુખોથી કે પુષ્કળ લક્ષ્મીથી જરાય ખેંચાઇ જતા નથી. નજર નાંખો એવા મહાત્મા જંબૂકુમાર તરફ. એમનું દૃષ્ટાંત અત્યન્ત આશ્ચર્યભર્યું છે. એકલવિહારી સાધુ જિનશાસનની હીલનામાં નિમિત્ત બને છે. સાધુને ‘એકાકી’ રહેવાના ઘણા દોષો જણાવ્યા છે. જીવ સમ્યગ્દૃષ્ટિ હોય, આગમોનો જ્ઞાતા હોય પરંતુ જો તે અતિ -વિષયી હોય તો તેને વશ થઇને એવા કાળાં કર્મો બાંધી નાંખે કે તેને ભવપરિભ્રમણના સંકટમાં આવી જવું પડે. સર્વ પ્રાણીઓ આયુ પૂર્ણ થતાં નિશ્ચિત મરવાના છે. મૃત્યુ પૂર્વે ઘડપણ તો વળગી જ પડવાનું છે તોે ય લોકો સંસારથી ઉદ્વેગ પામતા નથી. આ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય ! સદ્ગુરૂ-સંગે જીવ ખૂબ ચિંતન કરે છે કે જન્મ, જરા, મરણ વગેરેના દુઃખોથી સંસાર ભરેલો છે. તો પણ તે વિષયસુખોથી વૈરાગ્ય પામતો નથી. ખરેખર મોહની ગાંઠ આત્મા સાથે બરોબર ચોંટી ગઇ લાગે છે. આ જીવ જાણે છે કે ભોગસુખોની વસ્તુઓ ધર્મનું જ ફળ છે છતાં તે પૂરી દૃઢતા સાથે મૂઢ હૃદયી બનીને સુખો પામવા માટે પાપકર્મોનો આદર કરે છે.