આર્યપ્રજા આંતરમસ્તીથી સુખેથી જીવતી હતી અને જેની સંસ્કૃતિ ગૌરવભેર પોતાનું મસ્તક ઉન્નત રાખી વિશ્વમાં મુક્ત રીતે ફરતી હતી; તે પ્રજા અને તે મહાન સંસ્કૃતિ આજે અનેક સમસ્યાઓથી ઘેરાઇ ચૂકયા છે. સહુ પોતાના જ હાથે થએલી ભૂલો ઉપર ફેર વિચારે. આવી વિચારણા કરવા માટે ઉત્તમ ચિંતન પૂરું પાડતું પૂજ્યશ્રીનું આ અદ્ભુત પુસ્તક ઘણી પ્રેરણાઓ આપી જાય છે. સંદેશ, ગુજરાત સમાચાર, મુંબઇ સમાચાર વગેરે દૈનિક પત્રોમાં આવતી કેટલીક વિચત્ર વાતોની ‘સમીક્ષા’ પૂજ્યશ્રીએ ખૂબ નીડરતાથી, ખુમારીસભર રીતે કરી છે, જે વાંચતા પૂજ્યશ્રીની નૈસર્ગિક હિંમત ઉપર ઓવારી જવાનું મન થાય. પ્રો. રજનીશની શાસ્ત્રવિરુદ્ધ વાતોની પૂજ્યશ્રીએ પૂરી સખ્તાઇથી રદિયો આપ્યો છે. પંડિત બેચરદાસના ભયાનક વિધાનો સામે પૂજ્યશ્રી પૂરી તાકાતથી તૂટી પડયા છે. રાજકારણ અંગે સચોટ સમાધાનો, કુટુંબ નિયોજનની ભયંકરતા વગેરે વિષયો ઉપર પૂજ્યશ્રીએ તલસ્પર્શી ચિંતન કરીને સુંદર બોધ પીરસવામાં ખૂબ કમાલ કરી છે. શાસનપતિ દેવાધિદેવ મહાવીર સ્વામીની દૈનિકપત્રોમાં જે જુઠી છાપ ઉભી કરાઇ તે બદલ પૂજ્યશ્રીનો આક્રોશ આસમાનને આંબી ગયો છે. પૂજ્યશ્રી લખે છે કે, ‘પ્રભુ મહાવીર અંગે આવો ગલીચ લેખ વાંચ્યા બાદ કોઇ મહાવીર ભક્તનું રુંવાડું ય હાલશે કે કેમ એ પ્રશ્ન છે?’ પૂજ્યશ્રીએ રાષ્ટ્રીય કક્ષાની ૨૫મી શતાબ્દિની વીર - નિર્વાણ કલ્યાણકની ઉજવણીના વિષયમાં પડેલા ભયસ્થાનો સૂક્ષ્મબુધ્ધિ દ્વારા ખૂબ સુંદર રીતે આલેખ્યા છે.