પૂજ્યશ્રીએ આ નાની પુસ્તિકામાં અદ્ભૂત ચિંતન-પ્રકાશ પૂરો પાડ્યો છે. ઓ જીવ ! મરતાં સુધી તો જીવતો રહે. પળે પળે રાગદ્વેષના પરઘરોમાં ધસી જવું એ જ બધા પળપળના મોત છે. “મારો આવતો જન્મ ક્યાં થશે ?” - મર્યા પછી જીવતો થનારા આ પ્રશ્નની ચિંતા કરો. મરતાં મરી જનારા પ્રશ્નોની ચિંતા મૂકી દો. Everything is in order ને મિથ્યા કરવાની શક્તિ કોઇમાં હોતી નથી. એનો તો સસ્મિત સ્વીકાર કર્યે જ છૂટકો. બધું ગણિતબધ્ધ થઇ રહ્યું છે. ભોગસુખ ખૂબ ભૂંડું છે કારણકે (૧) કર્મરાજાની મહેરબાનીથી જ મળે છે (પરાધીન છે). (૨) વિનાશી છે. (૩) ઘણા દુઃખોથી મિશ્રિત છે. જે પાપો કરવા જ પડે તે પાપોની પસાર થતી પળોમાં ધ્રુજતા રહો. આ ધ્રુજારો પણ નાનોસૂનો ધર્મ નથી હો ! ભોગસુખ કરતાં વધુ ખરાબ ભોગસામગ્રીઓ છે. આ સામગ્રીથી પણ વધુ ભયાનક ધન છે.