કર્મોના મુખ્યત્વે બે પ્રકાર છે : પુણ્યકર્મ અને પાપ કર્મ. પુણ્ય કે પાપ કર્મનો બંધ - જયારે ઉદયમાં આવે ત્યારે સુખ, દુઃખની કે ધર્મ અધર્મની સામગ્રી લાવી મૂકે. જૈનદશનમાં ‘બંધ’ કરતાં ‘અનુબંધ’ ઉપર વિશેષ લક્ષ આપવાનું કહ્યું છે. પુણ્યાનુબંધી પુણ્ય જીવને મોક્ષમાર્ગમાં સહાયક બને છે જયારે પાપાનુબંધી પુણ્ય જીવની દુર્ગતિઓની હારમાળા સર્જે છે. પાપબંધ કરતાં પાપાનુબંધ ખૂબ ભયંકર વસ્તુ છે. પાપાનુબંધ એટલે પાપના સંસ્કારો. આ પાપના સંસ્કારો નષ્ટ ન થાય તો નવા નવા પાપોનું સર્જન થયા જ કરે, જેથી જીવના દુઃખોનો અંત જ ન આવે. પાપાનુબંધ નષ્ટ કરવાની, છેવટે નબળો પાડવાની અને પુણ્યાનુબંધને માનવજીવનમાં તગડો બનાવવાની - મુખ્યત્વે આ બે સાધના કરવાની જિનાજ્ઞા છે. આ બે સાધનાઓ પાર પાડવા માટે અર્થાત્ આ માનવજીવનને સફળ બનાવવા માટે પૂજ્યશ્રીએ સુંદર ત્રિપદી આ પુસ્તકમાં દર્શાવી છે. ખામેમિ (સર્વજીવક્ષમાપના), મિચ્છામિ (જાતના ભવોભવના પાપોની માફી), વંદામિ (સર્વ ગુણીજનવંદના) - આ ત્રણ ઉપાયો દ્વારા અચૂક પાપાનુબંધ નબળો પડશે અને પુણ્યાનુબંધ તગડોેે બનશે. પુસ્તકના બીજા ખંડમાં ‘મહાપુણ્ય’ અને ‘મહાપાપ’ ઉપર સુંદર વિવેચન પૂજ્યશ્રીએ કર્યું છે. ‘કટ્ટર જૈન ધર્મી માતાપિતાની જીવને પ્રાપ્તિ થવી’ આ બાબતને પૂજ્યશ્રી મહાપુણ્યોદયે જણાવે છે. ‘મહાપાપ’ના અનુબંધની ભયંકરતા પૂજ્યશ્રીએ સચોટ શબ્દોમાં વર્ણવી છે.