અમદાવાદમાં એચ.એલ.કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા જૈન જાગૃતિ સેન્ટરના સભ્યો સમક્ષ પૂજ્યશ્રીએ આપેલા બે પ્રવચનોને અક્ષરદેહે રજૂ કરતું આ પુસ્તક ખૂબ મનનીય છે. ચાર પુરૂષાર્થની વ્યવસ્થાનો સાર સંક્ષેપમાં એટલો છે કે, “મોક્ષને લક્ષમાં રાખો, ધર્મના પક્ષમાં રહો, અર્થમાં નીતિને જોડી દો, કામમાં સદાચાર (હા... સંતોષ તો બન્નેમાં જોડવો જોઇએ) ને જોડી દો.” પૂજ્યશ્રીએ મુખ્યત્વે સામાજિક વ્યવસ્થા ઉપર આગવું ચિંતન રજુ કર્યું છે. “સમાજ” એટલે ધાર્મિક નહિ, પરંતુ અર્થ અને કામના સંબંધની વ્યવસ્થાનું ઘટક તત્વ. જુદી જુદી જ્ઞાતિઓનો સમાજ કહેવાય. આર્યાવર્તના સાવ સામાન્ય કોટિના માણસો પણ નીતિમાન, દયાવાન અને સદાચારી તો હોય જ. પરદેશી લોકો આત્માને બદલે દેહને; પરલોકને બદલે આલોકને, પરને બદલે સ્વને જ જોતાં રહે છે. ટુંકમાં જડની જાને નીકળ્યા છે. એટલે જ તેમની પાસે જડ વૈરાગ્ય નથી; જીવ મૈત્રી નથી. જિનશાસનનો જબરદસ્ત અભ્યુદય મુખ્યત્વે સર્વવિરતિ ધર્મ આધારિત છે. જો સર્વવિરતિધરો થોડા વધુ વ્યવસ્થિત થાય તો અભ્યુદય નજીકમાં જ આવી જાય. એટલું જ નહિ તેનો લાભ સમસ્ત વિશ્વને મળે. સ્વધર્મ એટલે જે તે ક્ષેત્ર અને જે તે કાળને અનુલક્ષીને જે તે વ્યક્તિઓની જે તે ફરજ (કર્તવ્ય). દરેકને અનેક સ્વધર્મો હોય છે. તેનાથી ભ્રષ્ટ થવું એ ધર્મથી ભ્રષ્ટ થવા જેટલું ગંભીર અકાર્ય કહેવાય.