જીવનમાંથી ખૂબ જ સહેલાઇથી ઘણાં બધાં પાપોને ઓછા કરવાની ‘માસ્ટર કી’ પૂજ્યશ્રીએ આ નાનકડી પુસ્તિકામાં બતાડી છે. ઘરની સામગ્રીઓના જરૂર, સગવડ અને શોખ ત્રણ વિભાગો પાડયા બાદ ‘સગવડ’થી આગળ નહિ જ વધવાની ભારપૂર્વક ભલામણ કરી છે. પૂજ્યશ્રીનું કરુણાપૂર્ણ હૈયું બોલે છે કે, “ક્રોડો લોકોને પેટપૂરતું ખાવાનું પણ ન મળતું હોય તેવા કાળમાં વિલાસી જીવન જીવાનો કોઇ જ અધિકાર નથી.” માતાપિતાના વૈભવી જીવને જ ઘણાખરાં સંતાનોની જિંદગીઓ બરબાદ કરવામાં ઘણો મોટો ફાળો નોંધાવ્યો છે. સંતાનોના જીવનમાં આર્યસંસ્કારોનું આધાન કરવા માટે માબાપે પોતાના જીવનને ‘શોખીન’ ‘વધુ છૂટોવાળું’ ‘વિલાસી’ કદી બનવા દેવું ન જોઇએ. વિમાનઘરોમાં ‘્ટ્ઠિદૃીઙ્મ ઙ્મૈખ્તરા’ (ખૂબ ઓછા ભાર સાથે મુસાફરી કરજો) જયાં ને ત્યાં લખેલું હોય છે. આપણું જીવન પણ એક મુસાફરી જ છે ને ? નાનકડા જીવન ઉપર પરિગ્રહના ઢગલા ખડકી દઇને શાને સારું કચડી નાખવું ? જેટલો વધુ પરિગ્રહ એટલી વધુ ચિંતા. જીવનની શાંતિને જે સળગાવી દે અને મરણની મોજને જે બગાડી નાખે તેવા શોખીન જીવનના ઓરતાં કદી ન કરવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. દેખાદેખીના પાપે નવી નવી વસ્તુઓ ઘરમાં વસાવવાના લાગેલા હડકવાએ અનીતિ આદિ પાપો પ્રત્યે આંખમીંચામણાં કર્યા છે; જેનો અંજામ પરલોકમાં ખૂબ ભયંકર મળશે.