પૂજ્યશ્રી જણાવે છે કે, “પરિસ્થિતિ એટલી હદે વિષમ થઇ છે કે તેમાં કોઇનું પણ વાસ્તવિક હિત કરવાનું શક્ય જણાતું નથી. હા, હવે માત્ર “ ધર્મ” એક જ તત્વ રહ્યું છે,જે સહુનું હિત કરી શકે.” આ વાતને પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વિશદ રીતે સમજાવી છે. આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ સહુ પ્રથમ “ વિશ્વદર્શન”કરાવ્યું છે, ત્યાર બાદ “ભારતદર્શન” અને “જાતદર્શન”ઉપર વિવેચન કર્યું છે. વિશ્વમાં ભારત સમાયેલું છે. ભારતમાં કુટુમ્બો છે. કુટુમ્બોમાં વ્યક્તિઓ છે. દરેક વ્યક્તિ-પોતે-ધર્મના શરણે જાય. એના દ્વારા દોષશુઘ્ઘિ ઉત્પન્ન કરે અને શુધ્ધિના માધ્યમે પુણ્ય (કર્મ) ની વૃધ્ધિ કરે.આ પુણ્યનું પ્રચંડ વાયુમંડળ જો તૈયાર થાય તો તેના દ્વારા દૈવી બળની સહાય મળે. તેમ થતાં જ સમગ્ર વિશ્વને તેનો લાભ મળે. સવર્ત્ર સુખ, શાન્તિ, સમૃધ્ધિ અને આબાદી દાયકાઓ સુધીના સમય માટે પ્રસરે. પરમાત્મા મહાવીરદેવે બે પ્રકારના ધર્મો બતાવ્યા છે. સર્વવિરતિ (સંસારત્યાગ) ધર્મ અને દેશવિરતિ (ગૃહસ્થ જીવનમાં ધર્મ ) ધર્મ. કોઇ પણ ધર્મની તાકાત અપ્રતીમ છે. જે ધર્મ કરાય તે કટ્ટરપણો આચરવો જોઇએ. તેમાં નિષ્ઠા,ફળાદિની અનાસક્તિ, મોક્ષલક્ષ દ્રઢપણે હોવા સાથે તે દીર્ઘકાળ સુઘી, અખંડિતપણે અને અતિશય ભાવોલ્લાસ સાથે સેવાવો જોઇએ. આમ થાય તો જ તે “ ધર્મ”ખૂબ પરિણામદાયી બને. “ ધર્મ મહિમા”જાણવા આ પુસ્તકનું ખૂબ મનન કરવું જ રહ્યું.