આ ગ્રન્થ અતિ અદ્ભૂત છે. પ્રત્યેક શ્લોક-કોઇ વૈરાગ્યથી તો કોઇ શાસ્ત્રીય પદાર્થથી ભરેલો છે. પૂજ્યશ્રીએ શ્લોકોનું સુંદર વિવેચન કર્યું છે. કેટલાક શ્લોકોનો ભાવાર્થ નીચે પ્રમાણેઃ નારકોમાં અતિ કર્કશ અને અત્યંત તીક્ષ્ણ એવા જે દુૃઃખો છે તેનું પુરૂં વર્ણન ક્રોડ વર્ષના આયુષ્યવાળો જીવ પણ કરી શકે તેમ નથી. તિર્યંચગતિને પામેલા જીવો પૂર્વભવોમાં સરખા ચાલ્યા હોત તો તેમને તિર્યંચભવ ન મળત. કોરડાનો માર, અંકુંશ, પરોણા, ધરતી ઉપર પછડાટ, હત્યા, બંધન, મારણ વગેરે સેકંડો દુૃૃઃખો ભોગવવા પડત નહિ. ઇર્ષ્યા, ઉદ્વેગ, ક્રોધાદિ ચાર કષાય વગેરે દોષોના ફટકાથી ધોબી-પછડાટ પામતાં દેવોને સુખ તો ક્યાંથી હોય ? હાથમાં રહેલા આમળાની જેમ સઘળો મોક્ષમાર્ગનો સદ્ભાવ જાણવા છતાં જો ધર્મમાં પ્રમાદી થવાય તો સમજવું કે તેનાં કર્મો ભારે છે. જે સાધુ પાંચ મહાવ્રતોના પાલનરૂપ કિલ્લાને ભાગી નાંખે તે ભ્રષ્ટચારિત્રી અને માત્ર સાધુવેષધારી સાધુનો સંસાર અનંત બની જાય છે. અરિહંતની આજ્ઞાના પાલનમાં જ ચારિત્રધર્મનું પાલન છે. જો આજ્ઞાનો ભંગ કર્યો તો શું ન ભાગ્યું ? હવે તો જે કોઇ તપ, જપ કરે છે તે કોની આજ્ઞાથી કરે છે ? જન્મ, જરા, મરણાદિથી સર્વથા અને સર્વદા મુક્ત પરમાત્માએ મોક્ષ પામવાના બે માર્ગ બતાવ્યા છે : સાધુ માર્ગ અને શ્રાવક માર્ગ. આ ગ્રન્થ સાંભળતાં જેને ધર્મમાં ઉદ્યમ કરવાનું મન ન થાય, જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન ન થાય તેને અનંત સંસારી જાણવો.