ત્રિલોકગુરુ દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના જીવન ઉપર અને પ્રકાશપુંજ તેમના આત્મા ઉપર આ ગ્રંથપુષ્પમાં પૂજ્યશ્રીએ આગવું ચિંતન શબ્દસ્થ કર્યુ છે. પૂજ્યશ્રીનું દરેક પ્રકાશન અત્યંત પ્રાણવાન હોવાથી તેની નકલો ચપોચપ ઉપડી જાય છે. પૂજ્યશ્રીનો આ યશસ્વી શ્રમયજ્ઞ એળે નહીં જાય. પૂજ્યશ્રીએ દેવાધિદેવની દસ વાતોને ‘છ સંદેશ, ત્રણ ઉપદેશ, એક આદેશ’ તરીકે પ્રથમ ખંડમાં સુંદર રીતે આલેખી છે. છ સંદેશ (૧) કરુણાવંત બનો (૨) સુખે અલીન બનો (૩) દુઃખે અદીન બનો (૪) માતાપિતાની સેવા કરો (૫) આતમશુદ્ધિ માટે ઝઝૂમો (૬) વ્યવહારમાં ચુસ્ત બનો. ત્રણ ઉપદેશ : (૧) આચારે અહિંસક બનો. (૨) વિચારે અનેકાંતી બનો (૩) જીવનમાં કર્મવાદી બનો. એક આદેશ : હૈયાના સદા સરળ બનો. પૂજ્યશ્રીએ બીજા ખંડમાં સાત મહાસત્યો ઉપર અજબગજબ ચિંતન રજૂ કર્યુ છે. (૧) સત્વ મહાન છે, પણ લક્ષ તેથી ય મહાન છે. (૨) પાલન મહાન છે પણ પક્ષ તેથી ય મહાન છે. (૩) બાહ્ય પ્રવૃત્તિ કરતાં આંતર પરિણતિ વધુ મૂલ્યવાન છે. (૪) બંધ વિચારણીય છે પણ અનુબંધ વિશેષતઃ વિચારણીય છે. (૫) દુઃખ કરતાં દોષ વિશેષ ચિંતાજનક બાબત છે. (૬) ભાવ કરતાં પ્રભાવની અસર વિશેષ હોય છે. (૭) પાપમુક્તિ કરતાં ઋણમુક્તિનું મૂલ્ય સવિશેષ છે. પૂજ્યશ્રીએ ત્રીજા ખંડમાં દેવાધિદેવે પ્રકાશેલા ચાર યોગો (૧) કર્મયોગ (૨) જ્ઞાનયોગ (૩) ભક્તિયોગ (૪) ધ્યાનયોગ ઉપર મનનીય ચિંતન રજૂ કર્યુ છે.