ભારતના ગરીબ, ગ્રામીણ અને નિરક્ષર લોકોમાં મહદંશે “માણસ”અખંડપણે જીવતો છે, પણ શ્રીમંતો, શિક્ષિતો અને શહેરી લોકો માટે પૂજ્યશ્રીનો ખ્યાલ છે કે તેમણે “માણસ” ખોયો છે. પૂજ્યશ્રીની એવી સમજ છે કે જે વ્યક્તિ દેહથી આત્મા સુધી, સ્વથી પર સુધી અને આલોકથી પરલોક સુધી પોતાની નજરને ખેંચી જતો નથી તે વ્યક્તિમાં “માણસ” હોઇ શકે નહીં. કાર્લ માર્ક્સે કહ્યું : પ્રજાના બે વિભાગો છે : સુખી પ્રજા અને દુઃખી પ્રજા. માર્ક્સે દુઃખી મટીને સુખી બનવાનું કહ્યું. ગમે તેવા ખરાબ રસ્તે સુખી બનવાની લ્હાયમાં માનવ સારો બનવાને બદલે ખૂબ ખરાબ બનતો ગયો. આમ માર્ક્સે મોક્ષનું લક્ષ ખતમ કરીને ભોગનું લક્ષ ખડું કર્યું. શ્રીમંતો, શિક્ષિતો અને શહેરીઓની ત્રીપુટીએ આ વિચારધારમાં ફસડાઇ પડીને દેશને પારાવાર નુકશાન કરી નાંખ્યું છે. સંતાનોના અધઃપતન કે વિકાસમાં મા-બાપો મુખ્ય નિમિત્ત બને છે, એ નિઃશંક હકીકત છે. ટી.વી. ચેનલો, ડ્રીન્ક્સ અને ડ્રગ્સનો હુમલો, રેગીંગ, સહિશક્ષણ, ટેલિફોન-કોલ, નગ્ન નૃત્યો, કોન્વેન્ટ-કલ્ચર, પ્રચાર માધ્યમો દ્વારા કાચી ઉંમરે જાતીય-જ્ઞાન, ઉદ્ભટ વેષ, ગર્ભપાત, વાસના ભડકાવતા ખાદ્ય પદાર્થો - આ બધા અશુભ નિમિત્તોની ખૂબ ભયાનકતા પૂજ્યશ્રીએ વર્ણવીને તેનાથી બાર ગાઉ છેટા રહેવાની ભારપૂર્વક ભલામણ કરી છે. બીજા ખંડમાં ત્રણ સ્થળે નજર ખેંચીને “માણસ” બનવા અંગે ખૂબ સુંદર ચિંતન પૂજ્યશ્રીએ રજૂ કર્યું છેે. જીવનને દુઃખી કરી નાંખતાં દોષોથી મુક્ત બનવાની અને સુખી બનાવતાં ગુણોથી યુક્ત બનવાની સરસ વાતો લખી છે.