વર્તમાનકાળના ન્યુ વેવના પાપે માનવ પોતાનો પાયો પણ ખોઇ બેઠો છે. એવા ખ્યાલથી તેનો પાયો મજબૂત કરવા માટેની વિવિધ પ્રેરણાઓ જુદા જુદા લેખોમાં મૂકી છે. આધ્યાત્મિક વિકાસના માર્ગમાં જો કયાંય પણ અડચણ પેદા થવા દેવી ન હોય તો પૂર્વભૂમિકાને મજબૂત બનાવતા જઇને ઉત્તરોત્તર સ્થિતિમાં પ્રવેશ કરતા જવો તેવું શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યું છે. જેની પાસે પાયાના જ ગુણો નથી તે આત્મા જો સર્વવિરતિ ધર્મને સ્વીકારી લે તો કયારેક તે ધર્મ લોકમુખે હાંસીપાત્ર બને તેવી ગંભીર ભૂલો થઇ ગયા વિના રહેતી નથી. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વર્ણવેલા લેખો સમ્યગ્દર્શનના પણ પાયાની માર્ગાનુસારી જીવનની ભૂમિકાની તૈયાર કરવાની પ્રેરણાનો મસાલો પૂરો પાડે છે. કાર્યસિધ્ધિ માટે આત્મવિશ્વાસ, હિંમત, ધીરજની પૂર્ણ આવશ્યકતા પૂજ્યશ્રી જણાવે છે. વિચારોના ભૂતને વશ કરવા પૂજ્યશ્રીએ સુંદર ઉપાયો દર્શાવ્યા છે. સહન કર્યા વિના તો કોઇ નાનકડી સિધ્ધિ પણ સાંપડે તેમ નથી. “સહો અને સુખ મેળવો.” સહશો તેટલું જ સુખ મેળવશો. આ સહિષ્ણુતાનો ધર્મ તમારી સઘળી ઇષ્ટસિધ્ધિ પ્રાપ્ત કરી આપશે. સાત્વિક આહારથી સાત્વિક બનેલું ચિત્ત ઉદાત્ત ભાવનાઓનું જન્મ સ્થાન બની શકે છે, પૂજ્યશ્રીએ “આહાર શુધ્ધિ” ઉપર સુંદર વિવેચન કર્યુ છે.ર જીવનમાં માયા (કપટ)ને સ્થાન નહિ જ આપવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે.