સહુના હૈયે ‘અરિહંત’ પ્રત્યે ભારોભાર ભક્તિ પેદા કરવા માટે પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં અત્યુત્તમ પ્રયાસ કર્યો છે. દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવનો આપણા ઉપર અસીમ ઉપકાર હોવા છતાં કેટલાક ભોગલંપટ જીવો પરમાત્મા મહાવીરદેવની ‘સાચી’ ઓળખાણ નથી કરી શક્યા. આ પરમ દુર્ભાગ્ય ટાળવા માટે આ પુસ્તક-રત્ન તેઓની મદદે દોડી આવ્યું છે. ‘અરિહંત’ તો પૂર્વના ભવમાં પણ ‘વિરાગદશા’ આત્મસાત્ કરી ચૂક્યા હોય તે જણાવવા પૂજ્યશ્રીએ પ્રભુ મહાવીરદેવના પૂર્વભવની રસમધુર ‘વિરાગી’ વાતોથી પુસ્તકની શરૂઆત કરી છે. ખંડ એકમાં સંક્ષેપમાં પ્રભુનું સમગ્ર જીવનચરિત્ર આલેખ્યું છે. બીજા ખંડમાં પ્રભુ મહાવીરદેવની ૧૨ાા વર્ષની અઘોર સાધના વર્ણવી છે. ત્રીજા ખંડમાં પ્રભુને કૈવલ્યપ્રાપ્તિ બાદ થયેલા પ્રસંગો વર્ણવ્યા છે. આ ખંડમાં દેવાધિદેવ પ્રભુ મહાવીરના સત્સંગે ‘ધર્મી’ બનેલા શ્રેણિક, સુલસા, શાલિભદ્ર વગેરે મહાન આત્માઓની કથાઓ હૈયાને હચમચાવી નાંખે તેવી રીતે પૂજ્યશ્રીએ સંવેદનશીલ શૈલીમાં વર્ણવી છે. ખંડ ચાર અને ખંડ પાંચમાં નિર્વાણ કાળ દરમ્યાન થયેલી ઘટનાઓ રસપ્રદ શૈલીમાં વર્ણવી છે. આજ સુધીમાં આ પુસ્તકની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઇ ચૂકી છે. ‘પ્રભુભક્ત’ બનીને ‘પુણ્યસમૃધ્ધ’ થવાની જો ખેવના હોય તો આ પુસ્તકનું વાંચન જરૂર સહુએ રવું જ રહ્યું. ત્રિલોકગુરૂ પરમાત્મા મહાવીરદેવ પ્રત્યે અત્યંત ભક્તિપૂર્ણ હૃદયના સ્વામી એવા પૂ. ગુરૂદેવને કોટિ કોટિ વંદના !