કલિકાલમાં માર્ગને સમજનારા હજુ ઓછા જોવા મળે છે પણ મર્મને પામનારા વિરલા હોય છે. આંતરિક વિશુદ્ધિ વધે તો જ માર્ગ લાધે છે. વિશુદ્ધિ માટે સાધના જોઈએ, મૌન જોઈએ, ઉપાસના જોઈએ.
પરમાત્મા એ બહારથી ક્યાંય મળતા નથી, તેના માટે તો ચેતનાને ભીતરમાં જગાડવી પડે છે. ચેતના બહારથી પ્રગટ કરાય છે એવી ભ્રમણા જીવને અનંતકાળથી છે. જે જાગૃત વ્યક્તિ આ વિરાટ છેતરપિંડી સમજી લે છે એ કદીય અણમોલ માનવ જીવનને ઘેટાના ટોળાની જેમ ક્યારેય વેડફે નહિ.
મૂળભૂત ધર્મ તો રાતરાણીની સુગંધની જેમ ભીતરમાંથી પ્રગટ થતો હોય છે. એને સંખ્યા, મોનોપોલીના દાવા, પ્રચાર કેન્દ્ર, માર્કેટિંગ, રાજકીય ટેકા વગેરેની જરૂર હોતી નથી. વીતરાગ ધર્મના ઉપાસકને સંપ્રદાયવાદી બની રહેવું પાલવતું નથી.
વર્તમાનમાં તિથિ, દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, ગુરુપૂજન, સૂતક, કરપાત્રી, નગ્નતા, વસ્ત્ર, પાત્ર, ગર્ભાષ્ટ, જન્માષ્ટક, વગેરે અનેક મતભેદો દ્વારા અંદરનો ગુણાત્મક વીતરાગ ધર્મ શોષાઈ રહ્યો છે.
રત્નચિંતામણિથી પણ અધિક કીમતી એવા માનવભવમાં જે વિવેક ચૂક્યો તેણે શું ગુમાવ્યું, તેની કલ્પના કરી શકાય નહિ. વિવેક એ મહારત્ન છે. તેનું કોઈ પણ ભોગે રક્ષણ કરવું જ રહ્યું. સર્વજ્ઞ પ્રણીત માર્ગ એ વીતરાગ માર્ગ છે. તેને આપેલું જ્ઞાન એ વીતરાગ વિજ્ઞાન છે તેને સમજવા માટે વીતરાગી સ્વચ્છ દૃષ્ટિ જોઈએ.
સાંપ્રદાયિક દૃષ્ટિને આગળ કરનારા, વીતરાગના માર્ગને અને તેના સાચા અનુયાયીઓને સમજી શકતા નથી. મહાપુરુષોના શબ્દો ન પકડતા તેમના ભાવ અને આશયને પકડવામાં આવે તો જ ન્યાય આપી શકાય. આશયને ન સમજતા માત્ર શબ્દો પકડવાથી મન તરંગોમાં - વિકલ્પોના તોફાને ચઢે છે તેનાથી ખંડનાત્મક પ્રવૃત્તિ આવે છે. પોતે જે સમજે છે તે જ સાચું છે એવો આગ્રહ બંધાય છે જેનાથી ગર્ભિતપણે અહંકાર પુષ્પ થતો રહે છે. અધ્યાત્મના શિખર ઉપર પહોંચીને બોલાયેલા વચનો અધ્યાત્મની તળેટીએ રહેલા આત્માઓ સમજી શકતા નથી. આગમશૈલી અને અધ્યાત્મશૈલીનો ભેદ ન સમજાય ત્યાં સુધી આ ગજગ્રાહ ચાલુ રહે ચે. આનંદઘન પ્રભુના વચનના અવલંબને સહુ કોઈ આત્મા દેહાતીત દશાને પામે એ જ.
અનાદિનું કર્તાબુદ્ધિનું શલ્ય તેનું વિષ ચઢેલું છે તેની સામે તેનાથી અનંતગણું અકર્તાનું પ્રાબલ્ય આવે ત્યારે ભગવાન આત્મા પ્રગટ થાય છે. જ્યાં સુધી ખૂણે-ખાંચરે પણ કર્તાપણું ભાસે છે ત્યાં સુધી સંસારનો અંત નહિ આવે. પહેલા નિશ્ચયથી દરેક વસ્તુને એના યથાર્થ સ્વરૂપમાં સમજવાની છે પછી વ્યવહારમાં તેનું અમલીકરણ કરવાનું છે. માત્ર નિમિત્તાધીન દૃષ્ટિ કેળવવાથી વિકલ્પની પરંપરા સર્જાય છે.
પં. મુક્તિદર્શનવિજય ગણિ