Shri Sheetalnath Jin Stavan - Anandghanji Stavan Chovisi
(1 Reviews)
હૃદય નયન નિહાળે જગધની આનંદઘન સ્તવન ચોવિસી વિવરણ, સ્તવન રચયિતા - યોગીરાજશ્રી આનંદઘનજી, વિવરણકર્તા - પં. પ્ર. મુક્તિદર્શન વિજયજી, સંયોજન સહાયક - સૂર્યવદન ઠાકોરદાસ જવેરી,
પૂ, યોગીરાજ આનંદઘનજી મહારાજાએ પોતની આ સ્તવન ચોવીશીમાં તે તે પરમાત્માના નામને અનુરૂપ સ્તવના કરવા દ્વારા પોતાના અંતરમાં અધ્યાત્મરસના ઘૂંટના ઘૂંટ પીધા છે અને જગતને અધ્યાત્મરસનું પાન કરાવ્યું છે. પોતાના અંતરમાં વિશુદ્ધિનો વ્યાપ વધતાં સહજ રીતે પરમાત્મભક્તિ કરતા સરી પડેલા, નાભિમાંથી ઉચ્ચારાયેલા આ હૃદયના ઉદ્ગગારો છે એટલે તેમાં અધ્યાત્મ, અધ્યાત્મ અને અધ્યાત્મ સિવાય બીજું કાંઈ જ જોવા મળતું નથી.
એ મહાપુરુષના હૃદયમાં રહેલા અતિ ગંભીર ભાવોને ખોલવા તે બહુ જ કઠિન છે. ટબાકાર જ્ઞાની મહાત્મા જ્ઞાનસારજીએ ફરમાવ્યું છે તે મુજબ-
"આશય આનન્દઘન તણો, અતિ ગંભીર ઉદાર,
બાળક બહુ પસારી, જિમ કહે ઉદધિ વિસ્તાર."
છતાં શક્તિ, યક્ષોપશમ, પ્રમાણે તેના ભાવોને ખોલવા માટેનો યથાશક્તિ પ્રયત્ન તથા-પ્રકારના સંયોગોને પામીને, તથા-પ્રકારની ભવિતવ્યતાનુસાર અમારા દ્વારા થઈ ગયો છે, તેમાં ક્ષતિ ન જ રહી ગઈ હોય એવો અમારો દાવો નથી. તેમ છતાં જે કોઈ આત્મા તટસ્થ વૃત્તિ અને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવી યોગીરાજ આનંદઘનરચિત સ્તવનોના આલંબનને પામીને આ ગ્રંથમાં ખોલવામાં આવેલા ભાવોને હૃદયમાં આત્મસાત્ કરવા પ્રયત્ન કરશે; તેના હૃદયનયન ધીરે ધીરે ખૂલતા જશે અને તેમ તેમ તે પોતાના કરૂણાપૂત હૃદયમાં જગધણી એવા પરમાત્માને નિહાળશે; તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અધ્યાત્મના સમગ્ર આકાશને માધ્યસ્થ વૃત્તિથી જોનારા અલગારી યોગીરાજશ્રી આનંદઘન પ્રભુ પાસે આપણે આનાથી વધુ આશા રાખી શકીએ નહિ. માટે હે ભવ્યો! "હૃદયનયન નિહાળે જગધણી" એ પંક્તિને તમે ચરિતાર્થ કરવા ઈચ્છતા હો તો; સર્વ વિકલ્પોને છોડીને માધ્યસ્થ વૃત્તિ અને ગુણગ્રાહી દૃષ્ટિ અપનાવીને આ ગ્રંથમાં રહેલા ભાવોને આત્મસાત્ કર આત્મકલ્યાણ સાધો, એ જ એકની એક સદાની શુભાભિલાષા!
"कल्याणमस्तु!!!"
- આનંદઘનચાહક પં. મુક્તિદર્શનવિજય ગણિ
Language title : શ્રી શીતલનાથ જીન સ્તવન - આનંદઘનજી સ્તવન ચોવીસી