રાષ્ટ્ર્, પ્રજા અને સંસ્કૃતિના હિતમાં મૂળ તો નિર્ગ્રન્થોનું સાચું શ્રમણપણું છે. ખાસ કરીને નૂતન દીક્ષિતો સંયમજીવન સુંદર જીવી જાણે, તે સદ્આશયથી પૂજ્યશ્રીએ અદ્ભુત લેખનકાર્ય કર્યું છે. છદ્મસ્થતાના કારણે થતાં સંઘર્ષો વખતે મૌન, સહિષ્ણુતા, ક્ષમા, ઉદારતા- આ ચાર ગુણો અમલમાં મૂકાશે તો સંઘર્ષો શાંત થઇ જશે. પાંચ મહાવ્રતોના ભારને સફળતાપૂર્વક વહન કરવા માટે પાયાના ગુણો પૂજ્યશ્રીએ ઉંડા મનોમંથન બાદ જણાવ્યા છે. દીક્ષા-દિનના ઉલ્લાસ અને શ્રધ્ધાને સદા જીવંત રાખવા માટે પૂજ્યશ્રીએ શાસ્ત્રપાઠ સાથે અદ્ભુત શીખ આપી છે. સાધુએ જ્યોતિષના સંબંધમાં કુંડલી જોઇને ગૃહસ્થને ફળાદેશ કહેવો, નિમિત્ત આદિ જણવવા વગેરે દ્વારા સાધુનો તપ નિષ્ફળ જાય છે : તેવું શ્રી ઉપદેશમાળા શાસ્ત્રમાં કહેલું છે. તપ, શાસ્ત્રસ્વાધ્યાય, ગુરુભક્તિ પૂજ્યશ્રીએ સાધુના મુખ્ય ત્રણ લક્ષણો જણાવ્યા છે. પરમેષ્ઠિ ધ્યાનમાં એકાગ્રતા લાવવા પૂજ્યશ્રીએ સુંદર ઉપાય જણાવ્યો છે. રાત્રિના સમયમાં ૧ાા થી ૨ કલાકનો જપ સાધુએ કરવો જ જોઇએ . માસખમણના આજીવન તપસ્વીઓ કરતાં પણ ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું,તેને પૂજ્યશ્રી સાધુની સવોત્કૃષ્ટ સાધના જણાવે છે. જ્ઞાનગર્ભ વૈરાગ્યના લક્ષણો પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં જણાવ્યા છે. પૂજ્યશ્રીએ પુસ્તકની અંદર એક વિભાગમાં વર્તમાનના ઉત્તમ સંયમીઓના અદ્ભુત જીવનપ્રસંગો આલેખ્યા છે.